Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વિરપુરના પોલીસમેન વતી રપ હજારની લાંચ લેતા વચેટીયો પકડાયોઃ પોલીસમેન છનન

દારૂ પીધેલ હાલતમાં પકડાયા બાદ જામીન પર મુકત કરવા ૧ લાખની માંગણી કર્યા બાદ રપ હજારમાં નક્કી કર્યુ હતું: વચેટીયા રાજેન્દ્રસિંહ વાળાની ધરપકડઃ પોલીસમેન અશ્વીનસિંહ નાસી છુટયોઃ ટોલ ફ્રીમાં ફરીયાદ પરથી એસીબીના પીઆઇ એમ.બી.જાનીનું સફળ છટકુ

રાજકોટ, તા., ૧૩: વિરપુરમાં એસીબીએ સફળ ટ્રેપ કરી પોલીસમેન વતી રપ હજારની લાંચ લેતા વચેટીયા ગરાસીયા શખ્સને ઝડપી લીધો છે. જયારે લાંચ માંગનાર પોલીસમેન છનન થઇ જતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાત્ન વિગતો મુજબ વિરપુરમાં રહેતા એક વેપારી તથા તેના મિત્રો ગત તા. ૯ ઓગષ્ટના રોજ દારૂ પીધેલ હાલતમાં પકડાયેલ હોય જામીન પર મુકત કરવા વિરપુરના પોલીસ કર્મચારી અશ્વીનસિંહ નિરૂભા જાડેજાએ એક લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે વેપારીએ રપ હજાર આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ તેને લાંચ આપવી ન હોય એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪માં જાણ કરતા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબીના પીઆઇ એમ.બી.જાની તથા સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું.

દરમિયાન આ છટકામાં લાંચની માંગણી કરનાર પોલીસમેન અશ્વીનસિંહ જાડેજાએ લાંચની રકમ રપ હજાર તેના મિત્ર રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ વાળા (રહે. વિરપુર)ને આપી દેવાનું કહેતા ફરીયાદી વેપારીએ લાંચની રકમ વચેટીયા રાજેન્દ્રસિંહને આપતા જ એસીબીએ ઝડપી લીધા હતા અને આ અંગેની જાણ લાંચની માંગણી કરનાર પોલીસમેન અશ્વીનસિંહ જાડેજાને થતા તેઓ નાસી છુટયા હતા.

એસીબીએ પોલીસમેન વતી લાંચ લેતા પકડાયેલ રાજેન્દ્રસિંહ વાળાની ધરપકડ કરી છે જયારે નાસી છુટેલ પોલીસ કર્મચારી અશ્વીનસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.

(11:48 am IST)