Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કચ્છમાં ભારે વરસાદથી સેંકડો રસ્તાઓનું ધોવાણઃ વ્યાપક નુકશાન

જિલ્લા પંચાયતના ર૧ માર્ગો બંધઃ જિલ્લા પંચાયત હસ્તકના પપ માર્ગોને નુકશાની

ભુજઃ  કચ્છમાં બે દિવસના ભારે વરસાદને કારણે જિલ્લાના સેંકડો માર્ગોને નુકશાની પહોંચી ે. સ્ટેટ આર એન્ડ બી અને જિલ્લા પંચાયતના માર્ગોને નુકશાની થતા ગામડાઓનો  આંતરિક વ્યવહાર ખોરવાયેલો છે.

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.આર. પટેલે જણાવ્યું હતું કે, સ્ટેટ આર એન્ડ બી ના અનેક માર્ગોને નુકશાની પહોંચી છે. પરંતુ અમારી પ્રાથમિકતા હાલ જે માર્ગો બંધ છે તેને પુનઃ ચાલુ કરાવવાના છે. આર એન્ડ બી નો મોટા ભાગનો સ્ટાફ ફિલ્ડમાં નીકળી ગયો છે. અને કોન્ટ્રાકટરો તેમજ સરકારી એજન્સીઓના સાધનોથી રસ્તાઓનું સમારકામ કરવાની કવાયત હાથ ધરાઇ છે. માર્ગોને થયેલી નુકશાની અંગેનો સર્વે પણ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

તંત્ર દ્વારા કામગીરી ચાલુ હોવાથી તેઓ  ચોકકસ કેટલા માર્ગોને અસર થઇ છે તે જણાવી શકયા ન હતા. પરંતુ આજે સવાર સુધી જિલ્લાના ૬ માર્ગો બંધ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. જેમાં દેશલપર-હાજીપીરનો રાજયમાર્ગ બંધ હોવાનું કહ્યું હતુ. આ માર્ગ વરસાદમાં ધોવાઇ જતા તેને પુનઃશરૃ કરવાની  કામગીરી હાથ ધરાઇ છે. આ ઉપરાંત કોટડા-બીટ્ટા, રવાપર-નેત્રા, લખપત-કોટેશ્વર, સામખિયાળી કંથકોટ, તેમજ શીવલખા-લાકડીયા-કટારીયાનો  રાજયધોરી માર્ગ પણ આજે સવારની સ્થિતિએ બંધ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓની વાત કરીએ તો બાંધકામ શાખાના દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ભારે વરસાદને કારણે જિલ્લા પંચાયત હસ્તકના પપ રસ્તાઓને વ્યાપક નુકશાની પહોંચી છે. જેમાંથી ૩૪ રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા છે અને ર૧ માર્ગો આજે સવારે ૧૦ વાગ્યાની સ્થિતિએ બંધ હોવાનું જાણવા મળ્યું હતુ. જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓમાં પણ તંત્ર દ્વારા સમારકામ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

(11:20 pm IST)