Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

''વિશ્વસિંહ દિવસ''નિમીતે સાસણમાં વિશ્વસિંહ દિવસની શાનદાર ઉજવણી

માલધારી આશ્રમ શાળાના બાળકો સાથે સાસણના ગ્રામજનો સિંહપ્રેમીઓ દ્વારા રેલી યોજાઇ

જૂનાગઢ, તા.૧૩:  એશિયાઇ સિંહઙ્ગએ બિલાડીકુળનું સૌથી ઊંચું અને વાદ્ય પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં આફ્રીકા અને ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભ્યારણ્યમાં જોવા મળે છે. પહેલાના સમયમાં સિંહ અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાંસિંહ, વખત જતાં આજે તે ફકત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખી જ હોય છે. વિશ્વભરમાં જોવા મળતા એશિયેટીક અને આફ્રિકન સિંહોની અગત્યતા દર્શાવતા વર્લ્ડ લાયન ડે ની ઉજવણી તા.૧૦મી ઓગષ્ટે સાસણ ખાતે મુખ્યવન સંરક્ષકશ્રી ડી.ટી.વસાવડા, અગ્ર વનસંરક્ષક એ.કે.સકસેના, નાયબ વનસંરક્ષકશ્રી મોહનરામ,  ધીરજ મિત્ત્।લની ઉપસ્થિતીમાં સાસણ આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ, સર્વોદય માધ્યમિક શાળા અને પે સેન્ટર શાળાનાં બાળકો સાથે સાસણનાં સરપંચ  જુમાભાઇ અને ગ્રામજનો તથા સિંહ પ્રેમીઓની સંગાથે સિંહ સંવર્ધન જાગૃતિ રેલી સાસણનાં રાજમાર્ગો પર પસાર થઇ સભા સ્વરૂપે સંપન્ન થઇ હતી.

 સિંહ સદન ઓડીટોરીયમ ખાતે સભાને સંબોધતા અગ્ર વન સંરક્ષકશ્રી એ.કે.સકસેનાએ જણાવ્યુ હતુ કે સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક,પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવુ મહત્વ ધરાવતુ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે જેથી સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજયનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એસિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની અથાગ મહેનતનાં કારણે એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં ૨૨૦૦૦ ચોરસ કીલોમિટરમાં વિહરતા થયા છે.

મુખ્ય વનસંરક્ષકશ્રી વન્યપ્રાણી વર્તુળ શ્રી ડી.ટી.વસાવડાએ સૈારાષ્ટ્રનાં પાંચ જિલ્લાનાં ૪૦ તાલુકામાં વિશ્વસિંહ દિવસની ઉજવણીનું કરવામાં આવેલ આયોજનની વિગતો આપતા જણાવ્યુ હતુ કે વિશ્વસિંહ દિવસની ઉજવણી વનવિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, એન.જી.ઓ. ગ્રામજનોએ ભાગ લીધો છે. ગત વર્ષ ૨૦૧૭માં જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આમ ચાર જિલ્લાનાં ૩૬ તાલુકામાં ૪૧૯૩ શાળા, માધ્યમીક/ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષાની સંસ્થાઓનાં ૮૩૪૪૭૪ છાત્રો અને નાગરિકોએ ભાગ લીધો હતો બોટાદ તાલુકામાં ૧૦૫૫ લોકોએ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

નાયબ વનસંરક્ષકશ્રી રામ મોહન અને શ્રી ધીરજ મીત્ત્।લે જણાવ્યુ હતુ કે  ગીર દુનીયાભરમાં એશીયાઇ સિંહના અંતીમ નિવાસસ્થાન તરીકે જાણીતું છે. એક સમયમાં એશીયાઇ સિંહો મેસોપોટેમીયા, અરેબીયા, પર્શીયા અને ભારતીય ઉપખંડ સુધી ફેલાયેલા હતા. છેલ્લી સદીના અંત સુધીમાં તેઓ લુપ્ત થઇ ગયા હતા. ખેત પ્રધાન પ્રદેશો વધવાથી ગીર, ગીરનાર, બરડા અને આલેચ પર્વત માળાઓમાં વહેંચાઇ ગયા.

 એ.સી.એફ શ્રી રાજદિપસિંહ ઝાલાએ ઉપસ્થિત સૈા સિંહ પ્રેમીઓને સિંહ સંવર્ધન માટે થતી પ્રવૃતિમાં સહયોગી બની રહેવા સંકલ્પ લેવડાવ્યા હતા. સાસણનાં સરપંચશ્રી જુમાભાઇએ સિંહ સાથેનાં પોતાનાં અનુભવો કહ્યા હતા. સર્વોદય શાળાનાં વિદ્યાર્થિ ચુડાસમા હર્ષિત અને પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની ગોસીયા ખાતુનબેને સિંહ સંવર્ધન વિષયે પોતાનાં વિચારો વ્યકત કર્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા પ્રતાપસિંહજીએ અને વન અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

(11:45 am IST)