Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કૂવામાં નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે

જામનગરના નાનકડા ગામ આમરાની અનોખી પરંપરા

રાજકોટ,તા. ૧૩ :  આ વર્ષે ભમમરીયા કૂવામાં પધરાવવામાં આવેલ રોટલો ઉગમણી દિશામાં ગયો છે. જેના કારણે આ વર્ષ દરિમયાન સારો વરસાદ થશે અને વર્ષ સારું જશે તેવુ ગ્રામજનો કહી રહ્યા છે. જામનગર જિલ્લમાં આવેલા ઁઆમરાઁ ગામે છેલ્લા ધણા વર્ષથી ચાલી આવતી રોટલો પધરાવવાની પરંપરા આજે પણ ચાલુ છે. એક બાજુ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ આમરા ગામમાં લોકો દર વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવે છે.

આમરાના ગ્રામજનોએ જણાવ્યું કે આમરા ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છે. આજનો યુવાન હાથમાં આધુનિક મોબાઈલ લઈ આ પરંપરામાં જોડતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભમરીયા કૂવામાં નાખેલા રોટલા પરથી આમરા ગામના લોકોએ અનુમાન લગાવ્યું છે કે, વરસાદ સારો થશે તેવું અનુમાન લગાવ્યું છે.

આ આખી પરંપરાનો રસપ્રદ ઇતિહાસ છે, જામનગર શહેર નજીક આમરા ગામમાં કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું. ત્યારે ગામલોકોએ બ્રાહ્મણો પાસે કારણ જાણ્યું હતું. ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે વર્ષો પહેલા એક મહિલાનું કુવામાં પડવાથી મોત થયું હતું અને આ મહિલાના મોત બાદ દર વર્ષે કુવામાં રોટલો પધરાવવામાં આવશે તો વરસાદની પણ આગાહી થશે. બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે. એકબાજુ આધુનિક ટેકનોલોજીથી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ જૂની પરંપરા હજુ પણ હયાત જોવા મળી રહી છે. 

હાલ જ્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનુ આગમન આ વર્ષે વહેલુ થયું છે. પરંતુ જામનગર તરફ મેઘાએ હજુ બરાબર મંડાયો નથી. ત્યારે આમરા ગામનાં લોકો વરસાદ ક્યારે આવશે અને કેટલા પ્રમાણમાં આવશે તેનો વરતારો જાણવા ઉત્સુક હોય છે. જો કે તે માટે તેઓ હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વરતારા પર નહીં પરંતુ પોતાના ગામનાં વડવાઓએ તેમને વર્ષો પહેલા આપેલી દેશી પદ્ધતિ પર જ વિશ્વાસ કરી રહ્યાં છે અને આ પદ્ધતિ છે ભમરીયા કુવામા રોટલા પધરાવી વરસાદનો વરતારો જાણવાની, ખુબ જ રોમાંચક અને લોકોને જાણવા જેવી છે.

(3:47 pm IST)