Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

લાઠી તાલુકા કોંગ્રેસ દ્વારા વિરજીભાઇ ઠુંમરની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં સાયકલયાત્રા - ચક્કાજામ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૩ : સમગ્ર રાજયમાં વધતી જતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા જનચેતનાયાત્રા કાઢવામાં આવી રહી છે.

 ત્યારે લાઠી તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ બે કિલોમીટર જન ચેતનાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત શહેર અને તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાયકલ લઈ જોડાયા હતા. સાયકલ રેલી લાઠીના અમરેલી રિધ્ધી સિદ્ઘિ પેટ્રોલ પંપથી પ્રસ્થાન થઈ લુવારીયા દરવાજા, મેઈન બજાર, ચાવંડ દરવાજા સ્ટેશન રોડ ઉપરથી ભવાની સર્કલ પહોંચી સુધી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત સહિત કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ઘ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ રોડ પર બેસી ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કર્યા હતા.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે દેશની જનતા કારમી મોંઘવારીના કારણે પીસાઈ રહી છે પેટ્રોલ ડીઝલ, તેલ, ગેસ સહિત તમામ જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓનો ભાવ આસમાને પહોંચી ગયો છે ત્યારે લોકોમાં ચેતના જગાડવા જન ચેતના યાત્રા કાઢી સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તાલુકા કોંગ્રેસ દ્વારા આયોજિત જનચેતના યાત્રામાં જિલ્લા પંચાયતના માજી સદસ્ય જીતુભાઈ વાળા, વિરોધ પક્ષનાનેતા ભુપેન્દ્રભાઈ સેજુ, લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડિયા, લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઇ ધોળકીયા, લાઠી કોંગ્રેસ પાલીકા સદસ્યો, દામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ ઈસામલીયા, દામનગર પાલીકા સદસ્યો, આસોદરના ઘનશ્યામભાઈ તેમજ તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર રેલી દરમ્યાન લાઠી પી.એસ.આઈ એન.એ વાઘેલા પોલીસ કાફલા સાથે બંદોબસ્તમાં ઉપસ્થિત રહ્યા હતા. ભવાની સર્કલ પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રોડ ચક્કાજામ કરતા થોડીવાર ડ્રાયર્વજન કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ સમજાવી રોડ ખુલ્લો કરવામાં આવેલ હતો.

(1:16 pm IST)