Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઇલેક્ટ્રો થર્મ (ઈટી) કંપનીના કચ્છના સામખિયાળી પ્લાન્ટમાં બે ભાઈઓ વચ્ચે ઝઘડો: ઉદ્યોગપતિ શૈલેષ ભંડારી અને મુકેશ ભંડારી વચ્ચે વકરતો વિવાદ

૨ પુત્રો અને ૨૫ બાઉન્સરો સાથે પ્લાન્ટમાં ગેરકાયદે પ્રવેશ, તા. ૨૯/૫ ના બનેલ બનાવની અરજી બાદ ગઇકાલે પોલીસે દાખલ કરી ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) રાજ્યના જાણીતા ઉદ્યોગગૃહ ઇલેક્ટ્રો થર્મ (ઇટી)ના ડાયરેકટર ભાઈઓ શૈલેષ અને મુકેશ ભંડારી વચ્ચે ચાલતો ઝઘડો વકર્યો છે. ગત. તા. ૨૯/૫ ના બનેલ બનાવ મેનેજિંગ ડાય. શૈલેષ ભંડારીએ પોલીસ મથકે બે વખત અરજી આપી હતી. જેની તપાસ બાદ સામખિયાળી પોલીસે ગુનો દાખલ કર્યો છે. શૈલેષ ભંડારીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તેમનો ભાઈ મુકેશ કંપનીનો ડાયરેક્ટર છે. મુકેશ તેમજ તેના પુત્ર અનુરાગને  કંપનીમાં પ્રવેશ પર બૉર્ડે મનાઈ ફરમાવેલી છે. છતાં મુકેશ અને બંને ભત્રીજા અનુરાગ, સિદ્ધાર્થ દ્વારા સ્ટાફના છથી સાત લોકો તેમજ ૨૫ જેટલાં બાઉન્સરોને લઈ કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર પર અનધિકૃત કબ્જો જમાવવા પેરવી કરાઈ હતી. એટલું જ નહી, હરેન્દ્રસિંહ બિસ્ટ સાથે ચારે જણે કંપનીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શાંતનુકુમાર નાથની ઑફિસમાં ઘૂસીને તેમને ધાક-ધમકી આપી ગેરકાયદેસર રીતે ટર્મિનેશન લેટર આપી તેમને બહાર હાંકી કાઢ્યા હતા. આ બનાવ અંગે સામખિયાળી પોલીસે આઈપીસી ૪૫૨, ૨૯૪(બી), ૧૧૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

   ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રો થર્મ કંપની હમણાં સતત વિવાદમાં છે. ગત ફેબ્રુઆરી માસમાં સ્ટેટ જીએસટીની ટીમે બોગસ બીલીંગ કૌભાંડમાં કલોલ નજીક પલોડીયા ગામે આવેલા ઈટીની ફેક્ટરીમાં તપાસ કરી ત્યારે કંપનીના પ્રાંગણમાં પાર્ક એક ટ્રકમાંથી ઈટીના બોક્સમાં પેક કરાયેલો ૩૩ લાખનો શરાબ મળી આવ્યો હતો. જે અંગે શૈલેષ ભંડારી સહિતના લોકો સામે ગુનો દાખલ થયો હતો. પોલીસ તપાસમાં શૈલેષ ભંડારીની ઑફિસમાંથી ૮ જીવતાં કારતૂસ મળી આવતાં શૈલેષ સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી. શૈલેષ ભંડારી સામે અગાઉ મુકેશ ભંડારીએ પોતાની નકલી સહી કરી બેન્કમાંથી કરોડોની લોન લીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શૈલેષની ધરપકડ થઈ હતી. તો, શૈલેષ ભંડારીએ નોંધાવેલી એક ફરિયાદ અંતર્ગત પોલીસે અગાઉ ભત્રીજા સિધ્ધાર્થની પણ ધરપકડ કરી હતી.

(9:47 am IST)