Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રોજના કોરોનાના નવા ૮-૧૦ પોઝિટિવ દર્દી

અમરેલી જિલ્લો સુરત બનવા ભણી... : ડો. કાનાબાર

એકાદ મહિનામાં રોજના ૨૫-૩૦ કેસો પોઝિટિવ આવતા થશે

અમરેલી તા. ૧૩ : અમરેલીમાં છેલ્લા ૧પ દિવસથી કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા કુદકે અને ભુસકે વધી રહી છે. અમરેલી શહેર સહિત જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રોજ નવા ૮–૧૦ કેસની નવાઈ નથી રહી. જીલ્લા કલેકટરશ્રી અને આરોગ્ય તંત્રના કર્મચારીઓની સખત મહેનત છતાં કેસો ખુબ ઝડપથી વધી રહયા છે. સૌથી વધુ ગંભીર બાબત એ છે કે, દર્દીઓ સારવાર માટે મોડા આવતાં હોવાથી અમરેલીમાં મૃત્યુ પ્રમાણ ૯ ટકા જેટલું છે. અત્યાર સુધીમાં મળી આવેલ કેસોમાં ૯૦ ટકા કેસોમાં ટ્રાવેલ હીસ્ટ્રી છે. આમ અમરેલીમાં બહારથી – સુરત–અમદાવાદ અને મુંબઈથી આવતાં લોકોમાંથી પોઝીટીવ કેસો આવી રહયા છે.

સુરતમાં અત્યારે કોરોનાનો ઉપદ્રવ ખુબજ વધી ગયેલ છે. સુરતમાં સંક્રમણ હવે અમદાવાદથી પણ વધારે છે. બીજું હીરાના કારખાનાઓ બંધ થતાં ફરી સુરતના લોકો પોતાના વતન ભણી આવી રહયા છે. અમરેલી જીલ્લામાં સુરતથી આવનાર લોકોના પ્રવાહ દીનપ્રતિદિન વધી રહયો છે. અગાઉ લોકડાઉન અને કવોરેન્ટાઈનની જોગવાઈના કારણે સંક્રમણને નિયંત્રણમાં રાખવામાં અમરેલી જીલ્લાના વહીવટીતંત્રને સારી સફળતા મળી હતી પરંતુ, હવે પરિસ્થિતિ કાબુ બહાર જાય તેવા એંધાણ મળી રહયા છે. એક અંદાજ એવો છે કે, આવનાર ૧ મહિનામાં રપ થી ૩૦ હજાર લોકો સુરતથી ફરી પાછા અમરેલીમાં પ્રવેશી શકે છે. લોકડાઉનના સમયમાં ર લાખ જેટલા લોકો અમરેલીમાં આવેલ તેના કરતાં પણ આ બાબત અમરેલી માટે ખુબજ ગંભીર પરિસ્થિતિ ઉભી કરી શકે તેમ છે. અગાઉ સુરતમાં કોરોનાનું સંક્રમણ ઓછુ હતું. અત્યારે સુરતમાં રેન્ડમ સર્વેમાં કોરોના વાયરસનો પોઝીટીવીટી રેટ લગભગ ૮ ટકા જેટલો છે. બીજા શબ્દોમાં સુરતમાં ૧૦૦ લોકોમાં કોરોના માટે રીપોર્ટ કરવામાં આવે તો ૮ ટકા જેટલી વ્યકિતમાં ટેસ્ટ પોઝીટીવ આવે. હવે રપ–૩૦ હજાર લોકો આવનારા છે તે ધારણા સાચી પડે તો પ–૬ ટકા ના દરે પણ ૧પ૦૦–૧૮૦૦ નવા પોઝીટીવ લોકો અમરેલીમાં પ્રવેશ કરશે.

અત્યાર સુધીના (તા.૯/૭ સુધીમાં) અમરેલીમાં પોઝીટીવ આવેલ ૧ર૯ દર્દીઓમાંથી કુલ પ૩ લોકોને ઓકિસજનની જરૂર પડી હતી. (૪ર ને ઓકિસજન, ૯ ને  બાયપેકથી ઓકિસજન અને ર ને વેન્ટીલેટર) બીજા શબ્દોમાં ત્રીજા ભાગના દર્દીઓને હોસ્પીટલમાં સઘન સારવારની જરૂર ઉભી થઈ હતી. અત્યાર સુધીમાં ૯ દર્દીઓના મૃત્યુ થઈ ચુકયા છે. હવે આગામી ૧ માસમાં જો ૧પ૦૦ થી ૧૮૦૦ કેસ નવા આવે તો તેમાંથી પ૦૦ જેટલાં દર્દીઓને હોસ્પીટલમાં રાખવા પડે. વળી આવા ગંભીર દર્દીને સામાન્ય રીતે ૧૦–૧ર દિવસ તો ઓછામાં ઓછું હોસ્પીટલમાં રહેવું પડે. એ રીતે અમરેલીમાં આવનાર દિવસોમાં કોરોનાની ઘનિષ્ઠ સારવાર માટે ૩૦૦ બેડની જરૂર પડે. સાથે સાથે આટલાં ઈન્ડોર દર્દીના સારવાર માટે એટલા પ્રમાણમાં એમ.ડી. ડોકટરો અને નર્સિંગ અને અન્ય પેરામેડીકલ સ્ટાફની જરૂર પડી શકે. આ ઉપરાંત ઓછામાં ઓછા ૧૦ થી ૧ર વેન્ટીલેટર પણ હોવા અનિવાર્ય છે.

બીજી મહત્વની બાબત એ છે કે, સંભવિત ૧પ૦૦ કોરોના પોઝીટીવ પૈકી લગભગ પ૦ ટકા દર્દીઓ કોઈપણ જાતના લક્ષણો ન ધરાવતાં હોય એ શકય છે. અત્યારે આવી રહેલ લોકોને તપાસવા કોઈ ચેક પોસ્ટ કે અન્ય સુવિધાના અભાવે તેમજ કવોરેન્ટાઈન પણ નહીં કરવામાં આવતાં હોવાથી આવા લોકો પોતાના વિસ્તારમાં મુકતપણે ફરતાં રહેશે અને પોતાના પરિવારથી શરૂ કરી પોતાના આજુબાજુના લોકોમાં સંક્રમણ વધારે તેવા પુરા સંજોગો છે. આમ બહારથી આવેલ આવા પોઝીટીવ દર્દીઓને કારણે અમરેલી જીલ્લામાં સ્થાનિક સંક્રમણ ખુબજ વધી જશે  અને કોરોનાના નવા દર્દીઓ ઉભા થશે જે હોસ્પીટલ પર વધારાનો બોજ બની રહેશે.

આમ, આપણો અમરેલી જીલ્લો હવે કોરોના મહામારીના સંદર્ભે એક એવા મકામ પર ઉભો છે કે જયાંથી સમગ્ર જીલ્લો ગંભીર આફતમાં સપડાય જાય તેવા એંધાણો મળી રહયા છે. આમાંથી અમરેલી જીલ્લો બચી શકે ખરો ? વધતાં જતાં સંક્રમણને કંટ્રોલમાં રાખી શકાય ખરૃં? બન્ને પ્રશ્નનો જવાબ 'હા' માં છે પણ તે માટે સરકારે, સ્થાનિક વહીવટી તંત્રે તથા જીલ્લાની જનતાએ કેટલાંક કડક નિર્ણયો કરવા પડે. નીચેની બાબતો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તો અમરેલીમાં આપણે ઘણાં નવા કેસો અટકાવી શકશુ અને ઘણાં બધા મૃત્યુ પણ અટકાવી શકીશું. તેમ ડો. ભરત કાનાબારે એક નિવેદનમાં જણાવ્યું છે.

(1:12 pm IST)