Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોનાને વધતો અટકાવવા માટે

મોરબીના ૧૭પથી વધુ કલોક મેન્યુફેકચરિંગ યુનિટો ૧ સપ્તાહ સુધી ઉત્પાદન કાર્ય નહિ કરે

૧૬૦૦૦થી વધુ મહિલા કામદારો સહિત ર૦,૦૦૦ કામદારો કામ કરે છે

અમદાવાદ, તા.૧૩ : એશિયામાં સૌથી મોટા ઘડિયાળ ઉત્પાદક મોરબીએ કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા રવિવારથી એક અઠવાડિયાનો સ્વૈચ્છિક બંધ પાળવાનું નક્કી કર્યું છે. મોરબીના ૧૭પથી વધારે કલોક મેન્યુફેકચરિંગ યુનિટો એક અઠવાડિયા સુધી ઉત્પાદન કામગીરી બંધ રાખશે અને એ રીતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને વધતો અટકાવવા પ્રયત્ન કરશે.

મોરબીના ઘડિયાળ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા કલોક એન્ડ પાર્ટસ મેન્યુફેકચરર્સ એસોસિયેશનના પ્રમુખ શશાંક ડાંગીએ જણાવ્યું હતું કે, 'છેલ્લા એક અઠવાડિયામાં મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘણી ઝડપથી વધી છે અને તે પૈકી મહત્તમ કેસ મોરબી શહેરમાં નોંધાયા છે. કલોક મેન્યુફેકચરિંગ યુનિટોમાં કુલ ર૦,૦૦૦થી વધારે કામદારો છે. તેમાંથી ૧૬,૦૦૦ જેટલા મહિલા કામદારો છે અને તેમાંથી ૧૪,૦૦૦ જેટલા મોરબીની આસપાસના ગામડાથી આવે છે. જો તેમને ચેપ લાગે તો તેમના ગામમાં કોરોના ફેલાવાની આશંકા છે. તેથી તકેદારીના ભાગરૂપે અમે રવિવારથી એક અઠવાડિયા માટે કલોક યુનિટસ બંધ રાખવાનો નિર્ણય છે. મોરબીના તમામ મોટા કલોક મેન્યુફેકચરિંગ યુનિટો બંધ પાળશે અને ૯૦ ટકા જેટલા નાના યુનિટો પણ બંધ રહેશે.'

મોરબીના ૧૭પથી વધારે કલોક યુનિટસ દૈનિક ૧.પ૦ લાખ ઘડિયાળનું ઉત્પાદન કરે છે જે સમગ્ર દેશમાં સપ્લાય થાય છે, ઉપરાંત લગભગ પ૮ દેશોમાં નિકાસ પણ થાય છે. લોકડાઉન અગાઉ જ ઉદ્યોગ નબળી માંગનો સામનો કરી રહ્યો હતો અને લોકડાઉન બાદ માંગ સાવ નીચી છે. ડાંગીએ જણાવ્યું હતું કે, 'લોકડાઉન બાદ મોરબીના ઉદ્યોગો શરૂ થઇ ગયા હતા પરંતુ માંગ માત્ર ૧પ-ર૦ ટકા જ જોવા મળી હતી. દેશમાં લગ્ન સહિતના શુભ પ્રસંગો થઇ રહ્યા નથી તેની મોટી અસર કલોક ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી રહી છે. અમારા કુલ વેચાણમાં લગ્ન સહિતના પ્રસંગોએ ભેટ તરીકે અપાતી ઘડિયાળનો હિસ્સો ૭૦ ટકા જેટલો ઉંચો છે.'

(12:07 pm IST)