Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

આ તો અંગ્રેજોથી પણ બદતર શાસન છેઃ લોકશાહીમાં કોઇ વિરોધ પણ ન કરી શકે? પરેશ ધાનાણી

અમરેલી જીલ્લામાં કોરોના માટે લેબ ચાલુ કરવાની માંગણી કરતાં વિપક્ષી નેતાને ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી

અમરેલી તા. ૧૩ :.. અમરેલી જિલ્લામાં તાત્કાલીક કોરોનાની લેબ ચાલુ કરવા અને આરોગ્ય વિભાગ દ્વારા આ જિલ્લાને કરવામાં આવી રહેલા અન્યાયના વિરોધમાં સવારે ૯ કલાકે આ વિસ્તારના ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ધરણાં શરૂ કર્યા હતાં. આ સાથે જ સીવીલ કેમ્પસમાં પોલીસના ધાડેધાડા ખડકાઇ ગયા હતા અને પોલીસે ધરણા ન કરવા અને ઉઠી જવા વિનંતી કર્યા બાદ વિપક્ષી નેતાની ટીંગાટોળી કરીને પોલીસ વેનમાં લઇ જવામાં આવ્યા હતાં.

અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે કોરોનાના ટેસ્ટ માટે લેબોરેટરી આપવા, જિલ્લામાં કોરોનાની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇને ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા તેમજ અમરેલી, સાવરકુંડલા, રાજૂલામાં વધારાની પ૦૦ બેડની આઇસોલેટેડ, વેન્ટિલેટર સુવિધા સાથેની કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવાની માગણી થઇ છે.

પોલીસે આવીને પરેશ ધાનાણીની અટકાયત કરી હતી અને ટીંગાટોળી કરીને તેમને લઇ જવામાં આવી રહ્યા હતાં. ત્યારે પરેશ ધાનાણીએ કહયું કે, આ તો અંગ્રેજોથી પણ બદતર શાસન છે. લોકશાહીમાં કોઇ વિરોધ પણ ન કરી શકે ? તેવા સવાલો કર્યા હતાં.

(12:00 pm IST)