Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસનાં ઉમેદવારો ૧પ હજારની લીડથી જીતશેઃ હાર્દિક પટેલ

કાર્યકારી પ્રમુખ તરીકે કોંગ્રેસમાં વરણી થયા બાદ સ્ટાર પ્રચારક શ્રી ખોડલધામના દર્શનેઃ પત્રકારો સાથે વાતચીત

કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થયા બાદ હાર્દિક પટેલે કાગવડ શ્રી ખોડલધામ ખાતે શ્રી ખોડીયાર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા-કેતન ઓઝા (જેતપુર)

કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખપદે વરણી થયા બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 જેતપુર તા. ૧૩: કોંગ્રેસમાં નવા પ્રાણ પુરવા યુવા હાર્દિક પટેલને પ્રદેશની બાગડોર સોપતા આજરોજ ખોડલધામ ખાતે માં ખોડીયારના દર્શન અર્થે આવેલ. તેમનું સુતરની આટી તેમજ નરેશભાઇ પટેલના પુત્ર શિવરાજભાઇ પટેલે પુષ્પથી સ્વાગત કરી માં ખોડીયારના દરબારમાં આવકારેલ. હાર્દિક પટેલ તેમજ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો તેમજ અગ્રણીઓએ માં ઉમા ખોડલની જય બોલાવી દર્શન કરેલ.

આ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હાર્દિક પટેલે જણાવેલ કે નાની ઉંમરમાં કોઇને પ્રદેશની જવાબદારી મળી હોય તો હું છું પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષની જવાબદારી મારા ઉપર વિશ્વાસ મુકી સોંપવામાં આવી છે. ગુજરાતના તમામ ગામડાને કોંગ્રેસ તરફ વાળવા અને કાર્યકર્તાઓમાં જોશ અને જોમ પુરવા હાઇ કમાન્ડે બ્લુ પ્રીન્ટ આપીને મને મોકલેલ છે. ૩૦ વર્ષના ભાજપના શાસનમાં લોકોએ મુશ્કેલી જ ભોગવી છે. માટે હવે ગુજરાતના છ કરોડ લોકોના હિતની વાત કરવા માટે હું આવ્યો છું. મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરે શિક્ષણ. આરોગ્ય, આ તમામ મુદ્દાઓ માટે સરકારને કોંગ્રેસ જગાડશે સરકાર અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં પણ ભરતી કરતી નથી. જેના કારણે બેરોજગારી વધી છે. તાજેતરમાં આવનાર આઠ પેટા ચુંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ઉભા રાખી માત્ર બે-ચાર હજાર નહિ પરંતુ ૧પ હજારની લીડથી વિજય બનાવશે. કોંગ્રેસથી ભુલ પણ થઇ હશે પરંતુ ૩૦ વર્ષ બાદ લોકો ફરી કોંગ્રેસ તરફ વળે એવા પ્રયાસો કરવામાં આવશે સત્તા કે રૂપિયાની લાલચે ગયેલા ધારાસભ્યોની જગ્યાએ અમે સારા ઉમેદવારો મુકશું. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચુંટણી અમારા માટે સેમી ફાઇનલ છે. ર૦રર થી મુખ્ય ચુંટણી અમારા માટે ફાઇનલ છે. ર૦રરમાં સંપૂર્ણ બહુમતિ ૧ર૦ થી ૧રપ બેઠકો જીતી સત્તા લાવીશું. અમારી લડાઇ ભાજપ સાથે નહીં મુદ્દાઓ આધારીત લડાઇ છે. પાર્ટીના વિરોધમાં અમેન થી. સરકાર સામે મજબુત વિરોધ પક્ષ હોવો જોઇએ જે અમે હાલ બનાવશું. ખોટા વચનો આપનારી સરકાર શિક્ષણની વાતો કરે છે. પરંતુ શિક્ષણમાં ઝીરો છે ૧૭૦ શાળાઓનું રીઝલ્ટ ઝીરો આવેલ છે. તેમજ ફી પણ બેફામ લેવામાં આવે છે. ખેડુતોની વાતો કરનારી સરકાર ખેડુતોની કોઇપણ પ્રશ્નો ઉકેલી શકી નથી. પાક વિમા તાર ફેન્સીંગની સુવિધા કેમ નથી આપી શકતી. નાનામાં નાની જગ્યાએ સત્તા મેળવવા કાવાદાવા રચે છે. સત્તા મેળવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરે છે.

હાર્દિક પટેલ સી.એમ. બનશે? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે હું ચુંટણી લડી શકું તેમ નથી મારી ઉપર ૪૦ કેસ છે જેથી ચુંટણીની મનાઇ છે. કોંગ્રેસ પાર્ટીએ તો મને છુટ આપી છે હું કોઇપણ જગ્યાએથી ચુંટણી લડી શકીશ. સી.એમ. માટે હજી મારી ઉંમર નાની છે ર૦રર ની ચુંટણી માટે તેમણે કહ્યું કે જયારે કોંગ્રેસ આત્મ મંથન કરશે ત્યારે તે લોકો આત્મનિર્ભર થવા જેવા પણ નહિં રહે. ગુજરાતના લોકોને વિનંતી કરશું કે એક વખત ફરી મોકો આપો. કોંગ્રેસ આઝાદીની લડાઇમાં અંગ્રેજો સામે લડયા છે પરંતુ કોઇ સામે જીત્યા નથી. લોહી, પરસેવો પાડવો પડે તો પણ આપશું. તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીમાં ફરી જોમ જુસ્સાથી કામ કરી ર૦રરમાં ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવશે.

આ પ્રસંગે લલીતભાઇ વસોયા, ભીખાભાઇ જોષી, લલીતભાઇ કગથરા, વિરજીભાઇ ઠુંમર, હર્ષદભાઇ રીબડીયા, વિક્રમભાઇ માડમ, વશરામભાઇ સાગઠીયા, પ્રવિણભાઇ મુછડીયા, અશોકભાઇ ડાંગર, અર્જુનભાઇ ખાટરીયા, મોહનભાઇ વાળા, જીતુભાઇ વાજા, હિતેષભાઇ વોરા, વિરલભાઇ ભટ્ટ, અમીતભાઇ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેલ.

(11:22 am IST)