Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કેશોદ નગર પાલિકાની આગામી ચુંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે

કેશોદ તા. ૧૩: સ્થાનિક કેશોદ નગરપાલિકાની સંભવતઃ આગામી ડીસેમ્બરમાં થનારી જનરલ બોર્ડની ચુંટણીમાં વર્તમાન ભાજપની બોડીના પાંચ વરસ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારનો મુદે કેન્દ્રસ્થાને રહેશે તેમ જાણકારો જણાવી રહ્યા છે.

નગર પાલિકાની ચુંટાયેલી વર્તમાન બોડીની મુદત આગામી ડીસેમ્બરમાં પુરી થાય છે. અને કોરોનાની અત્યારની વિકટ સ્થિતિના કારણે જો મુદત ન લંબાય તો ડીસેમ્બરમાં ચુંટણી થવાની નકકી જ છે. અને આ ચુંટણીને નજર સમક્ષ રાખી સંભવિત ઉમેદવારો અને રાજકીય પક્ષો પોતપોતાની રીતે લોકોની નજરમાં ઉપસી આવવા માટે કોઇને કોઇ રીતે સતત પ્રયત્નશીલ રહે છે.

આ પાંચ વરસ દરમિયાન વિકાસના નામે આ નગર પાલિકાને કરોડો રૂ.ની સરકારી ગ્રાન્ટ મળી છે અને તેમાં કરોડો રૂ. તો શહેરના દરેક વિસ્તારમાં રસ્તાઓ બનાવવામાં અથવા તો તેમાં સુધારા કરવા પાછળ વપરાયા છે. સામાન્ય જનતાને લાગે વળગે છે ત્યાં સુધી આ રસ્તાના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર સીધો નજરે ચડે છે બાકીનો ભ્રષ્ટાચાર ફાઇલોમાં દબાયેલો હોય છે. જે કયારેય સામાન્ય જનતાની નજરે ચડતો નથી. શહેરના લગભગ દરેક વિસ્તારના રસ્તઓ કયાંક સિમેન્ટથી બનાવાયા છે તો કયાંક બ્લોક પાથરી રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તો ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે બ્લોક ફીટ કરી દીધા પછી પાછા એજ રોડ ઉપર ખોદકામ કરી સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યા છે.

રોડની આ કામગીરી પાછળ કરોડો રૂ.નું આંધણ થયેલ છે આવતા રપ-૩૦ વરસ સુધી આ રોડ ઉપરથી કાકરી ન હલે તેવા સારામાં સારા રોડ માત્ર કાગળ ઉપર બનાવવામાં આવ્યા છે અને અહિંજ નગર પાલિકાના વહિવટનો મોટો ભ્રષ્ટાચાર જનતાની નજરે ચડે છે.

આવા જે રસ્તા શહેરમાં બનાવવામાં આવેલા છે તેમાં મોટા ભાગના સિમેન્ટના રસ્તાઓ તુટી ગયા છે અથવા તો બેસી ગયા છે અથવા તો આ સિમેન્ટ રોડમાં એકાદ-બે ફુટના ગાબડા પડી ગયા છે. અત્યારે ચોમાસી સીઝન છે ત્યારે આ સિમેન્ટ રોડમાં વચ્ચે પાણી ભરાય છે. આવા રોડ મચ્છરો માટે મેટરનીટી હોમ બની ગયો છે.

આવી જ સ્થિતિ બ્લોક રોડમાં થયેલી છે, જયાં જયાં આવા બ્લોક ફીટ કરેલા છે ત્યાં બ્લોક તૂટી ગયેલા છે, બેસી ગયેલા છે અથવા તો નીકળી ગયેલા છે. આથી આવા સિમેન્ટ રોડ અને બ્લોક રોડથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

હવે વિરોધ પક્ષ માટે પણ અત્યારે આજ મુદ્દો મહત્વનો બની ગયો છે. અવાર નવાર કોઇના કોઇ બહાને આ મુદ્દો આગળ ધરી લોકોની વચ્ચે આવવા માટે પ્રયાસો કરે છે. ગણત્રીના દિવસો પહેલા તો આવી રજુઆતકર્તા પ્રમુખની ચેમ્બરમાં બેસી ગયા હતા અને પ્રમુખ આ લોકોને અંદર જ બેઠા રહેવા દઇ પોતાની ચેમ્બરને બહારથી લોક કરી જતા રહ્યા હતા આશરે દોઢક કલાક પછી કોઇ ડાહ્યા માણસે પ્રમુખને સલાહ આપી કે ''આ લોકોને બહાર કાઢો નહિંતર તમારી સામે ગેરકાયદેસર અટકાયતની પોલીસ ફરિયાદ થઇ શકે'' ત્યાર પછી પ્રમુખે પોતાની ચેમ્બરનું લોક ખોલાવી આ લોકોને બહાર કાઢેલા.

નગર પાલિકાની ચુંટણી ડીસેમ્બરમાં આવવાની છે પરંતુ ભ્રષ્ટાચારના આવા મુદ્દે કોઇના કોઇ સમયે આવી લમણાઝીક થતી જ રહેવાની જેથી ચુંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો કેન્દ્ર સ્થાને જ રહેશે તેમ મનાય છે.

(10:39 am IST)