Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

દ્વારકામાં વરસાદી પાણીના નિકાલ માટે સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લીધી

દરેક વિસ્તારોમાં સાંસદે ટ્રેકટરમાં બેસીને જીણવટભર્યુ નિરક્ષણ કર્યુ

તસ્વીરમાં સાંસદ પૂનમબેન માડમે વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ હતું તે નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

 દ્વારકા તા. ૧૩ :.. દ્વારકામાં એક સપ્તાહ પહેલાં ભારે વરસાદ બાદ શહેરના ઇસ્કોન ગેઇટ, રબારી ગેઇટ, ભદ્રકાલી ચોક વિગેરે જગ્યાએથી જીવન વ્યવહાર ખોરવાયો હતો અને મોટી ખાનાખરાબી થઇ હોય જેથી સાંસદ પૂનમબેન માડમે ગાંધીનગર સુધી અને જિલ્લા કલેકટર પગલાઓ લેવા સુચના આપી હતી. બાદમાં આજે સાંજે સાંસદે દ્વારકા મુકામ કરી શહેરના ઉપરોકત વિસ્તારમાં ટ્રેકટરમાં બેસીને પણ જીણામાં જીણી બાબતોનું જાત નિરીક્ષણ કર્યુ હતું અને સ્થાનીક અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. પાલીકા દ્વારા અને રાજય સરકાર દ્વારા પાણીના નિકાલની સમીક્ષા કર્યા બાદ પાણીનું સૌથી વધુ નિકાલ રાવળા તળાવમાં થતો હોય તે સ્થળની પણ મુલાકાત લીધી હતી. પૂનમબેન પમ્પીંગથી ડીવોટરીંગ કાર્યવાહી પણ ઝડપથી થાય અને શકય તમામ પાસાની સઘન સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

પૂનમબેન માડમે પત્રકારોને જણાવેલ કે ભારે વરસાદના કારણે હાલની સ્થિતિ થઇ છે તે ચોકકસ છે પણ આવનારા સમયમાં સંભવિત વરસાદની પરિસ્થિતિમાં ખાસ અભ્યાસ કરીને રાજય સરકારને પાણીના નિકાલ માટેનો જરૂરીયાત મુજબનો પ્લાન નકશા અને યોજના તૈયાર કરવા સુચના આપવામાં આવી છે. હાલમાં રાજકોટ કોર્પોરેશન અને નર્મદા બોર્ડ દ્વારા પાણીના પમ્પો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. નજીકના સમયમાં જ પાણીનો નિકાલ થઇ જશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

દ્વારકા શહેરના વેપારી વર્ગ અને વાણિજયીક હેતુ ધરાવતા એકમો તેમજ રહેણાંકના વિસ્તારો સહિતનાને જે આર્થિક રીતે વરસાદી પાણીના કારણે નુકશાન થયું છે જેના માટે પાલીકા અને સ્થાનીક અધિકારીઓને ખાસ સુચના આપી જણાવ્યું  કે તમામ અસરગ્રસ્તોની સમીક્ષા કરી જરૂરીયાત મુજબ રાહત આપવા રાજય સરકારમાં ખાસ દરખાસ્ત કરવામાં આવે જેનાથી રાજય સરકાર અસરગ્રસ્તોને રાહત પુરી પાડે તેવી પણ રજૂઆત અમારા તરફથી રાજય સરકારને કરવામાં આવશે. જયારે વર્તમાન સ્થિતિમાં પાણીની ભરાયેલા વિસ્તારોમાં લોકોને શાંતિ રાખવા અને સુરક્ષિત રહેવા અને ટૂંક સમયમાં સંજોગો સુધરે તેવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે અપીલ કરી હતી.

(10:37 am IST)