Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જામનગર જિલ્લા જેલમાં રાજ્યમંત્રી જાડેજા હસ્તે કરાયું વૃક્ષારોપણ

જામનગર તા.૧૩: જામનગર જિલ્લા જેલ ખાતે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ૧૦૦ સો જેટલા આયુર્વેદ ઔષધીના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા જેલ ખાતે વૃક્ષોના ઉછેરની જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે તેમ કહી અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાલક્ષી કાર્યક્રમો યોજાય છે. જેમાં આજે જિલ્લા જેલ ખાતે ૧૦૦ જેટલા આયુર્વેદ ઔષધીના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદ ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો જેવા કે ગળો, બોરસલી, કરંજ વગેરે વૃક્ષો દ્વારા નિર્મિત થયેલ આ ભાગને સંજીવની ગાર્ડન નામ આપવામાં આવ્યું છે. વૃક્ષોએ પૃથ્વીનો અતિઆવશ્યક અંશ છે, વૃક્ષો થકી વાતાવરણ શુધ્ધ રહે છે અને વૃક્ષો જ માનવીને આવશ્યક પ્રાણવાયુના દાતા છે ત્યારે વૃક્ષોનું રોપણ અને તેનો સારો ઉછેર મનુષ્યને પ્રકૃતિની સમીપ લઇ જાય છે. 

આ કાર્યક્રમમાં વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નટુભાઈ ત્રિવેદી, જિલ્લા જેલના ઈન્ચાર્જ અધિક્ષકશ્રી પી. એચ. જાડેજા, જેલર શ્રી જે.આર.સિસોદિયા, સુબેદારશ્રીઓ નિરૂભા ઝાલા, ભીખાભાઈ સોચા અને હવાલદાર શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા તથા વૃક્ષારોપણના સેવાકાર્યમાં જેલના કેદીઓ પણ સહભાગી બન્યા હતા.

(10:32 am IST)