Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જામનગર શહેરમાં ચા-પાનના વેપારીઓ દ્વારા એક સપ્તાહ દરમિયાન સાંજે ૬ વાગ્યાથી વેપાર-ધંધા બંધ રખાશે

સોમવાર તા.૧૩થી રવિવાર એક સપ્તાહ દરરમિયાન સવારે ૮. થી ૬ સુધી દુકાનો ખુલી રહેશે

જામનગર:જામનગર  શહેરમા કોરોના ના વધતા જતા સંક્રમણને લઇને જામનગર વેપારી મહામંડળ દ્વારા શહેરમાં આવેલા ચા-પાનના તમામ વેપારીઓ દ્વારા આવતીકાલ સોમવારથી એક સપ્તાહ સુધી વેપાર-ધંધા સાંજે છ વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર વેપારી મહામંડળ તેમજ ચા અને પાનના વેપારીઓ સાથે ચર્ચા વિચારણા થયા પછી શહેરી વિસ્તારમાં આવતીકાલ તારીખ ૧૩ જુલાઈથી આગામી રવિવાર સુધી એક સપ્તાહ માટે ચા અને પાનની દુકાનો સવારે આઠ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  જામનગર શહેરના તમામ ચા ના રીટેલ વેપારીઓ અને હોલસેલ વેપારીઓ, ઉપરાંત પાનનો રિટેલ તેમજ હોલસેલ નો વેપાર કરતા તમામ વેપારીઓ પોતાના વેપાર-ધંધા સવારે આઠ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી જ ચાલુ રાખશે, અને સાંજે છ વાગ્યા પછી તમામ વેપાર ધંધા બંધ રાખવા માટેનો એક સપ્તાહ સુધી નો નિર્ણય કરવામાં આવ્યો છે.
  જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના ની આગેવાની હેઠળ આજે સવારે એક બેઠક યોજાઇ હતી. જેમાં જામનગર શહેરમાં સતત વધતા જતા કોરોના ના સંક્રમણને ધ્યાનમાં રાખીને તેમજ જામનગરના વહીવટીતંત્ર ને સહકાર આપવાના ભાગરૂપે ઉપરાંત શહેરના વેપારીઓ તેમજ લોકોની સલામતીના ભાગરૂપે સ્વૈચ્છિક રીતે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના ની યાદીમાં જણાવાયુ છે.

(9:51 pm IST)