Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રાજયસરકારની આરોગ્યલક્ષી યોજના થકી જસાભાઈના લાડકવાયાને આંખની રોશની મળી

સુરેન્દ્રનગર, તા.૧૩: ગુજરાત સરકારની આરોગ્ય માટેની યોજનાના ફળ સ્વરૂપે મારા પુત્ર જયવીરને આંખની રોશની મળી છે, અને આજે તે નવજીવન મેળવી સુખદજીવન તરફ આગળ વધી રહયો છે. આ શબ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાના જસાભાઈ કટેશીયાના.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રહેતા જસાભાઈ મજુરી કામ કરી તેમનું તથા તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ત્યાં ૩૦ મી જાન્યુઆરી – ૨૦૧૭ના રોજ દિકરાનો જન્મ થયો. પરિવારમાં આનંદની લહેર વ્યાપી ગઈ. પરંતુ પરિવારજનોનો આનંદ બહુ સમય ન રહયો. ડોકટરોએ નવજાત બાળકને તપાસી નિદાન કર્યું કે બાળકને જન્મજાત મોતીયો છે.

જસાભાઈના શબ્દોમાં કહીએ તો, અમારા માટે એક બાજુ ખુશી હતી તો બીજી બાજુ દુઃખની વેળા પણ હતી. ખુશી એ હતી કે અમારા પરિવારમાં હવે એક નવા મહેમાનનું આગમન થયું હતુ. પરંતુ દુઃખ એ વાતનું હતુ કે, તેને બંને આંખે મોતીયો હતો.

મનેસતત મારા બાળકની સતત ચિંતા સતાવ્યા કરતી હતી. તેવા સમયે બે દિવસ પછી અમારે ત્યાં સરકારશ્રી દ્વારા ચાલતા રાષ્ટ્રીયબાળ સ્વાસ્થ કાર્યક્રમ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર થાનગઢ આરોગ્યની ટીમના ડો. રીટાબેન નાકીયા અનેહેલ્થ વર્કર વિમલભાઇ રાઠોડ તથા મનિષાબેન સિંધવની ટીમ સાથે મારા ઘર ૫ર આવીને અમારા બાળકની તપાસ કરી. ત્યારે અમને રાજય સરકારની દ્વારા ચાલતા રાષ્ટ્રીય બાળસ્વાસ્થય અને તેમા મળતી સેવા અંગેની માહીતી મળી.

રાજય સરકારની આરોગ્યલક્ષી યોજનાની માહિતી મળતા જસાભાઈએ તેમના દિકરાની આંખની તપાસ અને તેની સારવાર માટેનો નિર્ણય કર્યો. આ માટે તેમણે આંખની તપાસ માટે સંદર્ભકાર્ડ ભરતાં તેમને અમદાવાદ ખાતેની આંખની હોસ્પિટલમાં તપાસ માટે જવા માટેની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરી આપવામાં આવી. આંખની હોસ્પિટલમાં ગયા બાદ તેમના બાળકના તમામ રીપોર્ટસ કરાવી તા. ૨૭ મી જાન્યુઆરી-૨૦૧૮ ના રોજ તેની જમણી આંખનું સફળતાપુર્વક ઓપરેશન કરવામાં આવ્યું, ત્યાર બાદ તા. ૧૧ મી મે – ૨૦૧૮ના રોજ તેની ડાબી આંખનુ પણ ઓપરેશન કરી આ ગરીબ પરિવારના રતન સમા બાળકની આંખની રોશની આપીને તેને નવુ જીવન આપ્યું છે.

પોતાના બાળકની આંખના સફળ ઓપરેશનથી ગદગદીત થઈ ગયેલા જસાભાઈએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારની આરોગ્યલક્ષી આ યોજનાના કારણે જ આજે મારો પુત્ર જયવીરને આંખની રોશની મળી શકી છે. આજે તેને કોઈ પણ જાતની તકલીફ નથી અને તેનું સ્વાસ્થ્ય પણએકદમ સારૃં છે.

જસાભાઈ જેવા અનેક ગરીબ માતા – પિતાના બાળકોને પણ સરકારની આવી લોકકલ્યાણકારી યોજનાના લાભ થકી આજે નવું જીવન પ્રાપ્ત થઈ રહયું છે. તે જ આ સરકારની આર્થિક અસક્ષમતા ધરાવતા – છેવાડાના – અંતરિયાળ વિસ્તારમાં વસતા પરિવારોના ઉત્થાન માટેની નિષ્ઠા અને લોકકલ્યાણની ભાવનાના દર્શન કરાવે છે.

(1:12 pm IST)