Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મેઘરાજાને રીઝવવા સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુન-પ્રાર્થના

સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલઃ મહતમ તાપમાન વધતા અસહ્ય ઉકળાટઃ વાવણી બાદ વરસાદ ખેંચાઇ જતા પાક નિષ્ફળ જવાની ભિતીઃ હજુ અનેક વિસ્તારોમાં વાવણી કાર્ય બાકી

વિરપુર (જલારામ)માં મેઘરાજાને રીઝવવા પ્રાર્થના બીજી તસ્વીરમાં ગોંડલમાં ધુન તથા ત્રીજી તસ્વીરમાં ખેતરો સુકાઇ જતા ખેડુત ચિંતાતુર નજરે પડે છે. (તસ્વીરઃકિશન મોરબીયા વિરપુર-જલારામ,ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ તા.૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમા વરસાદ ખેંચાતા લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે અને વાવણી બાદ વરસાદ ખેંચાઇ જતા પાક નિષ્ફળ જવાની ભિતી છે.

જો કે હજુ ઘણા વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદ પણ થયો નથી જેથી ખેડુતોમા ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધુપ-છાંવ વાળા વાતાવરણ સાથે મિશ્ર રૂતુનો અનુભવ થઇ રહ્યો છે અને મહતમ તાપમાનનો પારો પણ ઉંચે ચડતા લોકોને ગરમીની વધુ અસર થઇ રહી  છે.

મેઘરાજાને રીઝવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધુન-ભજન,કિર્તન, પદયાત્રા સાથે પ્રાર્થના કરવામા આવી રહી છે.

ધોરાજી

ધોરાજીઃ ધોરાજી-જામકંડોરણા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ આવે આવેની રાહમાં ધરતીપુત્રોના ટેન્શનમાં વધારો થાય છે. અગાઉ સારા વરસાદ બાદ ખેડુતોએ કપાસ મગફળી સોયાબીન અને કઠોળના મોટા પાયે વાવેતર કરેલ છે. સારી રીતે મોલાત ઉગી ગયેલ છે.

પરંતુ વાવણી બાદ વરસાદ ન થતા પાક સુકાવા લાગ્યો છે અને ખેડુતોને મોંઘા ભાવના ખાતર બીયારણ અને મજુરીનો બોજો પડશે અને લાખો રૂપિયાનું નુકશાન થવાની ભીતી છે. અત્યારે ધરતીપુત્રો વરૂણદેવને મનાવવા ધુન સહીતના કાર્યક્રમો કરી પ્રાર્થના કરી રહ્યા છે.

વિરપુર (જલારામ)

વિરપુર-જલારામઃ વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા જલારામ મહિલા મંડળ દ્વારા જલારામધૂનનું આયોજન કરવામાં આવેલ છે.

ચોમાસાની ઋતુને દ્યણો સમય થયો છતાંય વીરપુર પંથકના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી બાદ એક ઇંચ પણ વરસાદ થયો ન હોય દુષ્કાળ જેવી પરિસ્થિતી ઉભી થાય તે પહેલાં મેઘરાજાને મનાવવા માટે જલારામધામ વીરપુર ખાતેઙ્ગ મહિલાઓ દ્વારા જલારામધુન કરવામાં આવી હતી.

વીરપુર પંથકમાં વાયુ વાવાઝોડાને લઈને વાવણી લાયક વરસાદ પડ્યો હતો જેમને લઈને ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસ,મગફળીના જેવા પાકનું વાવેતર કર્યું હતું પરંતુ વાવણી બાદ પાક માથે સારા પ્રમાણમાં વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, ધરતીપુત્રો ભગવાનના શરણે આવી ઠેરઠેર રામધૂન બોલવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર પર રૂઠેલા વરુણદેવને મનાવવા વીરપુર જલારામધામમાં  સમસ્ત ગામ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે આજે પણ વીરપુર ગામની જલારામ સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા પણ મેદ્યરાજાને મનાવવા સવારથી લઈને રાત સુધી એટલે કે આખો દીવસ અખંડ જલારામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરનુ હવામાન

જામનગર : શહેરનુ આજનું હવામાન ૩૭ મહતમ, ૨૮.૬ લઘુતમ, ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૫.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહેશે.

(11:42 am IST)