Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જૂનાગઢમાં નરેન્દ્રભાઇ મોદી નવી સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન કરે તે પહેલા જ હોસ્પિટલમાં વરસાદના પાણી ફરી વળ્યાઃ તંત્રમાં દોડધામ

જૂનાગઢઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી જૂનાગઢના પ્રવાસે આવનાર છે અને તેમના હસ્તે નવી સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન તથા કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે ત્યારે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી જતા નવી સિવિલ હોસ્‍પિટલમાં વરસાદના પાણી ફરી વળ્યા છે.

જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને પગલે શહેરમાં નવી બનાવવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે. 20મી તારીખે નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે, ત્યારે તેઓ આ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. લોકાર્પણ કાર્યક્રમ પહેલા જ નવી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગના પાણી ઘૂસી જતાં તંત્ર દોડતું થયું છે. તંત્રએ તાત્કાલિક હોસ્પિટલમાંથી પાણી બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે ભારે વરસાદને કારણે હોસ્પિટલના દરવાજાઓ અને બારીઓમાંથી વરસાદનું પાણી અંદર આવી ગયું છે. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરની સાથે સાથે પાંચમાં માળે પણ બારી બારણાઓ મારફતે પાણી ધૂસી ગયું છે. કરોડો રૂપિયાને ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે તેના બાંધકામ સામે હવે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

મોદી 20મી તારીખે જે નવી સિવિલનું લોકાર્પણ કરશે તેના મોટા ભાગના વિભાગોને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં અહીં વિવિધ વિભાગોમાં દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે, ત્યારે એવી પણ લોકચર્ચા જાગી છે કે હોસ્પિટલ કાર્યરત જ છે ત્યારે આ કેવા પ્રકારનું લોકાર્પણ છે.

જૂનાગઢ પંથકમાં ગુરુવારે શરૂ થયેલો વરસાદ શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો. જેના પગલે ખાડિયા રોડ પર રસ્તાનું ધોવણ થયું હતું. ધોવાણને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો ગીર વિસ્તારમાં ભારે વરસાદને કારણે માળિયા હાટિનાની મેઘાલ નદીમાં પૂર આવ્યું હતું. મેંદરડાની મધુવની નદીમાં પણ પૂર આવ્યું હતું.

ભવનાથ તળેટીમાં ભારે વરસાદને કારણે અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભવનાથ મંદિર તેમજ જૂના અખાડા નજીક વરસાદના પાણી ભરાયા હતા.

ગીરનાર પર્વત પર ભારે વરસાદને પગલે ઝરણાંઓ વહેતા થયા હતા, જેના કારણે અદભૂત માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ભરાઈ જવાને કારણે જૂનાગઢવાસીઓની પાણીને સમસ્યાનો અંત આવ્યો છે.

(6:10 pm IST)