Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જેતપુરના વી.એન.જવેલર્સના ભાગીદારો સામે રૂ.૨૭ લાખના ચેકો પાછા ફરતા કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૧૩: જેતપુરના વી.એન.જવેલર્સ ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો હિરેન વિનોદકુમાર મકવાણા, વિનોદકુમાર એન.મકવાણા, રંજનબેન વિનોદકુમાર મકવાણા તથા સમીર વિનોદકુમાર મકવાણા, ઠે.મતવા શેરી, ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, દુકાન નં.૪, જેતપુરના સામે રાજકોટ કોર્ટમાં રૂ.૨૭,૦૦,૦૦૦ના ચેક ડિસઓનર સબબ ફરીયાદ દાખલ થયેલ છે.

ફરીયાદી શ્રીનાથજી ગોલ્ડ આર્ટ પ્રોપરાઇટરી પેઢીના પ્રોપટરાઇટર તેજસભાઇ દિનેશભાઇ આડેસરા, ઠે.૧૧૨, ગીરીરાજ એમ્બર્સ, જુની ગધીવાડ, સોની બજાર, રાજકોટનાએ ઉપરોકત ફરીયાદ કરેલ છે. જે ફરીયાદની વિગતો મુજબ... ફરીયાદી રાજકોટમાં શ્રીનાથજી ગોલ્ડ આર્ટ નામની પ્રોપરાઇટરી પેઢી ધરાવે છે અને સોનાના તૈયાર દાગીના વેચવાનો ધંધો કરે છે. જયારે તહેમતદારો પૈકી વી.એન.જવેલર્સ ભાગીદારી પેઢી છે અને હિરેન, વિનોદકુમાર,રંજનબેન અને સમીર જે-તે પેઢીના ભાગીદારો છે. ભાગીદારી પેઢીના ભાગીદારોએ આપેલ રજા, પરવાનગી અને સંમતીથી હિરેન વી.મકવાણાની સહીથી બેન્કીંગ કાર્યવાહી થાય છે અને તેમાં તે સાઇનીંગ ઓથોરીટી તરીકે સહી કરે છે.

તહોમતદારોએ સૌપ્રથમ ફેબુ્રઆરી-૨૦૧૮માં ફરીયાદી સાથે વ્યાપારી સંબધ કેળવી સોનાના દાગીના ફરીયાદી પાસેથી ખરીદવાનું શરૂ કરેલ. અને પ્રથમ બીલ મુજબનો માલ ખરીદી તેનું પેમેન્ટ પણ આપી દીધેલ. ત્યારબાદ તા.૦૩-૫-૧૮ના રોજ બીલ નં.૬ ની વિગતે રૂ.૨૭,૦૦,૦૦૦ નો ટેક્ષ સહીતનો ઉધાર માલ-સોનાના દાગીનાઓ ખરીદેલ છે અને જે-તે બીલનું પેમેન્ટ કરવા માટે ફરીયાદીની તરફેણમાં યુનીયન બેન્ક ઓફ ઇન્ડિયા, જેતપુર શાખાના ચેક રૂ.૧૨,૦૦,૦૦૦ નો તથા રૂ.૧૫,૦૦,૦૦૦ ઇસ્યુ કરી આપેલ હતો.

ઉપરોકત બંને ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેન્ક એકાઉન્ટમાં રજુ રાખતા, સદરહું બંને ચેક 'એકસીડ એરેન્જમેન્ટ' ના કારણસર વગર સ્વીકારાયે પરત ફરેલ છે. ચેક ડિસઓનર થયેલ છે, જે બાબતે તહોમતદારોને તેના રહેણાંક અને ધંધાના સ્થળે નોટીસ મોકલવા છતાં ડિસઓનર થયેલ ચેકસનું ફરીયાદીને પેમેન્ટ આપેલ નથી. ઉલ્ટું પોલીસ મશીનરી બાબતે પોતાની વગનો દુરૂપયોગ કરી મેંદરડા પોલીસ સ્ટેશનની હદમાં જઇ ફિનાઇલ પીવાનું નાટક કરી ફરીયાદી સહીતના અન્ય ભોગ બનનારાઓના નામ દર્શાવી ૯૦ કરોડથી વિશેષ રકમ હડપ કરી ગયેલ છે અને ત્યારબાદ મેંદરડાથી જ સારવાર પુરી કરી બારોબાર ફરાર થઇ ગયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી પૈકીના સમીર વિનોદકુમાર મકવાણા સીંગાપુર રહે છે. તેઓને પણ સુપ્રીમ કોર્ટની નવી ગાઇડલાઇન મુજબ ઇ-મેઇલથી તથા ઇન્ડિયન એમ્બેસી હાઇકમીશન ઓફ ઇન્ડિયા (સીંગાપુર) મારફત સમન્સ બજવણી કરી આરોપી સમીર મકવાણાને રાજકોટ કોર્ટમાં બોલાવવાની તજવીજ પણ હાથ ધરાય છે.

આ કામમાં ફરીયાદી તેજસભાઇ દિનેશભાઇ આડેસરા વતી વિકાસ કે.શેઠ, અલ્પા વિ. શેઠ, વિપુલ આર.સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.(૭.૨૯)

(4:10 pm IST)