Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

માળીયાહાટીનામાં દે ધનાધન ૬ ઈંચઃ વિસાવદર-સુત્રાપાડા ૪ ઈંચ

ભેંસાણ-મેંદરડામાં ૩II, તાલાળા-કોડીનારમાં ૩, જૂનાગઢ-કેશોદ-માંગરોળ-ગઢડા-વેરાવળ-બાબરામાં ૨ ઈંચઃ અન્યત્ર અડધાથી દોઢ ઈંચ વરસાદઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજે દિવસે પણ મેઘરાજા મહેરબાનઃ અનેક નદી-નાળા છલકાયા

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે અને ગઈકાલથી શરૂ થયેલ મેઘમહેર આજે પણ યથાવત છે. આજે સવારના ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીમાં અડધાથી ૬ ઈંચ વરસાદ વરસી ગયો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને ડેમમાં નવા નીર આવ્યા છે.

આજે સવારના ૮ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં ધોધમાર ૬ ઈંચ વરસાદ પડયો છે. જ્યારે ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ૪ ઈંચ અને વિસાવદરમાં પણ ૪ ઈંચ વરસાદ ખાબકયો છે.

જ્યારે જૂનાગઢના ભેંસાણ અને મેંદરડામાં ૩II ઈંચ વરસાદ પડયો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં અને તાલાળામાં ૩ ઈંચ વરસાદ પડયો છે. જ્યારે જૂનાગઢ, માંગરોળ અને કેશોદમાં ૨ ઈંચ તથા ગીર સોમનાથના વેરાવળ અને બોટાદ જિલ્લાના ગઢડા તથા અમરેલી જિલ્લાના બાબરામાં ૨ ઈંચ વરસાદ પડયો છે.

જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૧ ઈંચ, ઉનામાં ૧ ઈંચ, બગસરા દોઢ ઈંચ અને ધારીમાં પણ દોઢ ઈંચ વરસાદ પડયો છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં દોઢ ઈંચ તથા ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી અને રાજકોટમાં હળવાભારે ઝાપટા વરસ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, લીલીયા, સાવરકુંડલા, વડીયા, અમરેલી, લાઠી, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા, જેસર, ભાણવડ, ધ્રોલ, જોડીયા, દ્વારકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.(૨-૧૭)

(3:46 pm IST)