Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજની ભવ્યતાથી ઉજવણી

પરબધામ, તોરણીયા નકલંકધામ સહિતના યાત્રાધામોમાં ભાવિકો ઉમટશે : રથયાત્રાના આયોજનો

રાજકોટ તા.૧૩ : કાલે તા.૧૪ને શનિવારે અષાઢી બીજ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ગામે ગામ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના પરબધામ, ધોરાજી નજીકના નકલંકધામ તોરણીયા સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં અનેક યાત્રાધામો ખાતે ભાવિકો ઉમટી પડશે.

જામનગર

જામનગર : શ્રી સગરકુળના સંત શિરોમણી ભકતશ્રી દાસારામ બાપાની ૨૬૯મી પુણ્યતિથિના પાવન અવસર પર શ્રી સમસ્ત સગર સમાજ જામનગર વિભાગ દ્વારા અષાઢીબીજ તથા સ્નેહમિલનનું આયોજન તા.૧૪ના કરાયુ છે.

ભકતશ્રી દાસારામબાપાની શોભાયાત્રા, બપોરે ર કલાકે પટેલ સમાજની વાડી, ગોકુલનગર પાસે, સ્વાગત પ્રવચન સાંજે પ કલાકે, તેજસ્વી વિદ્યાર્થીઓનું વડીલોના હસ્તે સન્માન સાંજે પ કલાકે, સ્નેહભોજન સમારંભ સાંજે ૭ કલાકે પટેલ સમાજની વાડી, ગોકુલનગર મેઇન રોડ, નારાયણનગર જામનગર ખાતે યોજાશે તેમ યાદીમાં જણાવાયુ છે.

બગસરા

બગસરા : પૂ.શ્રી આપાગીગાના ગાદી મંદિરની પ્રાચીન પરંપરા અનુસાર સંતોએ પ્રસ્થાપિત કરેલ વિધિ મુજબ તા.૧૪-૭-૨૦૧૮ શનિવારના રોજ અષાઢી બીજ ઉજવણીના ભાગ રૂપે સવારે ૭ કલાકે મંગળા આરતી, શ્રી હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞ બાદ પૂજય આપાગીગાના ગાદી મંદિર ઉપર સમસ્ત ગધઇ પરિવાર તથા પ્રજાપતિ પરિવાર વતી ભોળાભાઇ કાનજીભાઇ ધંધુકીયા (આસોપાલવ સોસાયટી) નિવાસસ્થાનેથી ધજાનુ સામૈયુ (શોભાયાત્રા) વાજતે ગાજતે પૂ.આપાગીગાના ગાદી મંદિરમાં સવારે ૧૦ કલાકે આવશે. જગ્યાના પ્રવર્તમાન મહંત પૂ.જેરામબાપુના હસ્તે ગાદી મંદિરમાં ધ્વજા રોહણ કરવામાં આવશે. તેમજ બહુમુલ્ય પ્રસાદી વસ્તુ પૂ.શ્રી આપાગીગાના કપડા, માળા, બેરખો, કેશ (વાળ) લાકડી તેમજ પુરોગામી સંતોની પ્રસાદીની વસ્તુઓને પૂજન, ધૂપ - દિપ અને નિવેદ ધરાશે. સાંજના મહાઆરતીના દર્શન થશે.

આ મહોત્સવ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાવિકો તેમજ ગાદી મંદિરના સેવક પરિવારને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા અને ધર્મલાભ તેમજ સાંજના મહાપ્રસાદનો લાભ લેવા પધારવા પૂ.મહંતશ્રી જેરામબાપુએ આમંત્રણ પાઠવ્યું છે. સફળ બનાવવા શ્રી ગીગેવ ગૃપ તેમજ ગીગેવ રાસ મંડળના સભ્યો તેમજ જગ્યાના કોઠારી હરિબાપુ જહેમત ઉઠાવી રહેલ છે.

શાપર વેરાવળ

શાપર વેરાવળ : શ્રી ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ પારડી (શાપર - વેરાવળ) દ્વારા અષાઢી બીજ ઉત્સવનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ બપોરના ર-૩૦ વાગ્યે રામદેવજી મહારાજના સામૈયા, ધ્વજા રોહણ તેમજ પ-૩૦ વાગ્યે બટુક ભોજન મહાપ્રસાદ તેમજ સાંજે પાટ દર્શન અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે તો રાજકોટ જીલ્લાના ઘેડીયા કોળી સમાજના જ્ઞાતિજનોએ હાજરી આપવા શ્રી ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ પારડી વતી મુકેશભાઇ આર.કેશવાલાએ આમંત્રણ પાઠવ્યું છે.

ધોરાજી

ધોરાજી : સૌરાષ્ટ્રના યાત્રાધામસમા જૂનાગઢ જીલ્લાના મજેવડી ગામ ખાતે આવેલ લુહાર સમાજના કૂલભૂષણ સંત શ્રી દેવ તણખીદાદા અને વિરલબાઇ માતાજીની ચેતન સમાધી સ્થાન ખાતે ભવ્ય અષાઢીબીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.

જેમાં તા.૧૩ને શુક્રવારના રોજ સવારે રાંદલ માતાજીના લોટા તથા ધાર્મિક પ્રદર્શનને જેન્તીભાઇ ડોડીયાવાળાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. રાત્રીના ૯ કલાકે ભવ્ય સંતવાણી યોજાશે. જેમાં હરસુખગીરી ગોસ્વામી, સ્નેહલબેન પંચાલ સહિત કલાકારો રમઝટ બોલાવશે. શનિવારે સવારે સંતશ્રી દેવતણખીદાદા અને વિરલબાઇ માતાજીની ચેતન સમાધી સ્થાન ખાતે પુજા અર્ચન અને મહાઆરતી યોજાશે બાદ સવારે ૧૦ કલાકે વિશાળ ધર્મસભા યોજાશે. જેમાં મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ, ભવનાથ, જૂનાગઢ તથા રાષ્ટ્રીય સંત શ્રી અમરદાસબાપુ વિરપુર વગેરે સંતો મહંતોના સ્વાગત બાદ ધર્મશાળા યોજાશે. જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન દાતાશ્રીઓનું સન્માન તથા મહેમાનોનું સન્માન સમારંભ યોજાશે.

બપોરે ૩ વાગ્યે દેવતણખીદાતા મજેવડી ખાતેથી એક કી.મી. લાંબી વિવિધ શણગારેલા ફલોટ રાસમંડળીની રમઝટ સાથે વિશાળ રથયાત્રા નીકળશે. જે રથયાત્રા મજેવડી ગામના વિવિધ માર્ગો ઉપર ફરી સાંજે ૭ કલાકે દેવતણખીધામ ખાતે ધ્વજારોહણ થશે. બાદ મહાઆરતી રામદેવપીરના પાઠ - ભજન પૂજા અર્ચન થશે.

અષાઢીબીજ મહોત્સવમાં સમગ્ર દેશમાં વસતા લુહાર પંચાલ સમાજ એક લાખથી વધુ સંખ્યામાં ઉમટી પડશે. તે માટે શ્રી દેવતણખાધામ મજેવડીનુ ટ્રસ્ટ મંડળ તડામાર તૈયારીઓ ચાલુ કરેલ છે અને સત્સંગ ભજન અને ભોજનના ત્રિવેણી સંગમમાં તમામ લોકોએ પધારવા દેવતણખા ધામ મજેવડીના પ્રમુખ શાંતીભાઇ ગોહિલએ યાદીમાં જણાવેલ છે.

જસદણ

જસદણ : આટકોટ ગામે તા.૧૪ને શનિવારે અષાઢી બીજ નિમિતે જૂદી જૂદી જગ્યાઓ પર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. સંતોની ભૂમિ ગણાતા આટકોટની ધર્મપ્રેમી ગ્રામ્યજનોમાં વરસાદ પહેલા બીજની ઉજવણી સંદર્ભે ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. શનિવારે ખોડીયાર રામામંડળના અલ્પેશ ભગત દ્વારા કૈલાશનગર ખોડીયાર ચોકમાં રાત્રીના રામામંડળનું આયોજન હાથ ધરાયુ છે. જેમાં નેજાના સામૈયા મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

વિસાવદર

વિસાવદર તાલુકાના મોણીયા ગામમાં આવેલા આઇશ્રી નાગબાઇમાંના મંદિરે કાલે આઇશ્રી નાગબાઇ માના મંદિરે ભવ્ય અષાઢીબીજ મહોત્સવ આઇશ્રી નાગબાઇમા ચારણ ગઢવી ગોરવિયાળા પરિવાર મંદિર ટ્રસ્ટ તેમજ અષાઢી બીજ મહોત્સવ સમિતિ દ્વારા ઉજવાશે. રાત્રે ૧૦-૩૦ વાગ્યે ભવ્ય સંતવાણી લોકડાયરો યોજાશે.(

ભકિત,સમર્પણ,સેવા અને સાંસ્કૃતિક મુલ્યોને  જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢીબીજ

જૂનાગઢ : ભકિત, સમર્પણ, સેવા અને સાંસ્કૃતિક મુલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢી સુદ બીજના દિવસે નીકળતી જગન્નાથપુરીની ભવ્ય રથયાત્રા.

અષાઢીસુદ બીજએ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વર્ષે જગન્નાથપુરી - ઓરિસ્સામાં (પૂર્વ ભારત) રથયાત્રા ધામધૂમથી નીકળે છે. રથયાત્રા અંગે ઘણી કથાઓ પુરાણોમાં મળી આવે છે. માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાન વિષ્ણુનું મંદિર બાંધવુ હતુ. દેવતાઓના સ્થપતિ (ઇન્જીનીયર) વિશ્વકર્માએ સુથારના સ્વરૂપમાં આવીને મુર્તિ તૈયાર કરવાનું કામ સ્વીકાર્યુ પણ એવી શરત મૂકી કે જયા સુધી મુર્તિ પૂરી નહી બને ત્યાં કોઇએ જોવા આવવું નહી કે બારણુ ખોલવું નહી. હું બારણા બંધ કરી મુર્તિઓ ઘડીશ. મારૂ કામ પુરૂ નહી થાય ત્યા સુધી બારણા ખુલશે નહી. જો કોઇ બારણા ખોલશે તો હું ત્યારે જ ચાલ્યો જઇશ. છેવટે મુર્તિઓ ઘડવાનું કામ બંધ બારણે શરૂ થયુ. ઘણા મહિનાઓ વીતી ગયા. રાજા ઇન્દ્રદ્યુમ્નની ધીરજ ખૂટી ગઇ. તેને થયું કે સુથાર શું કરે છે તે જોવું જોઇએ. રાજાએ દ્વાર ખોલ્યું. અંદર વિશ્વકર્મા મુર્તિઓ ઘડતા હતા. મુર્તિઓના હાથ અધૂરા હતા. છેવટનો ઘાટ આપવાનો બાકી હતો. પરંતુ શરતભંગ થઇ તેથી કામ અધૂરૂ જ છોડી વિશ્વકર્મા અદ્રશ્ય થઇ ગયા અને મુર્તિઓ હાથપગ વગરની રહી ગઇ. રાજાને પસ્તાવો થયો. પરંતુ કોઇ ઉપાય નહોતો. વિશ્વકર્માના ભયથી અન્ય કોઇ આ દૈવીમૂર્તિઓ પુરી કરવા તૈયાર ન થયા. છેવટે બ્રહ્મા મદદે આવ્યા અને હાથપગ વગરની મુર્તિઓમાં પ્રાણ પુર્યા અને રાજાએ તે મુર્તિઓ મહામંદિરમાં પધરાવી.

દર આઠ, બાર કે અઢાર વર્ષે મુર્તિઓ બદલવામાં આવે છે. આ અવસર 'નવ કલેવર' તરીકે ઓળખાય છે. નવ કલેવર ભગવાન જગન્નાથના મૃત્યુ અને પુનઃ જન્મનું પ્રતિક ગણાય છે. જૂની મુર્તિઓનો અગ્નિસંસ્કાર કરાય છે અને નવી મુર્તિઓ અધુરી જ ઘડીને મંદિરમાં પધરાવવામાં આવે છે. નવ કલેવર ઉત્સવમાં હજારો શ્રધ્ધાળુઓ ભાગ લે છે. મુર્તિઓનો પુર્ણ સ્નાન વિધિ જેઠ સુદ પુર્ણિમાના દિવસે કરાવવામાં આવે છે. તથા ભગવવાનું સ્વાસ્થ્ય નરમગરમ રહે છે. તેથી અષાઢી સુદ બીજ સુધી ભગવાન જગન્નાથના દર્શન બંધ રહે છે. આ પછી અષાઢ સુદ બીજના દિવસે ભગવાન મન મોકળું કરવા એટલે કે ફરવા નીકળે છે. એટલે કે રથયાત્રા નીકળે છે.

રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે નવા જ બનાવવામાં આવે છે અને અક્ષયતૃતિયાના એટલે કે અખાત્રીજના દિવસથી શાસ્ત્રોકત વિધીથી આ રથ બનાવવાનો શુભારંભ થઇ જાય છે. આ ત્રણે રથોના નામ તાલધ્વજ, નંદીઘોષ અને દર્પદલન છે. જેમાં તાલધ્વજ બલભદ્ર, નંદીઘોષ રથમાં જગન્નાથ પ્રભુ અને દર્પદલન રથમાં સુભદ્રાને બિરાજમાન કરાવાય છે. તાલધ્વજ લીલા રંગનો ૧૩  થી ૨૦ મીટર ઉંચો ૧૪ પૈડાવાળો બનાવાય છે. દર્પદલન લાલ રંગનો ૯ થી ૧૨ મીટર ઉંચો અને ૧૨ પૈડાવાળો તથા જગન્નાથપ્રભુનો નંદીઘોષ રથ પીળી ધરીઓ વાળો લાલરંગનો તથા ૧૬ પૈડાવાળો હોય છે. જે બીજા બંને રથ કરતા ઉંચો હોય છે. ત્રણેય મુર્તિઓ સચેતન છે એવી ભકતોને અનુભુતિ થઇ ચુકી છે. આજે જે મંદિર છે તેનુ નિર્માણ રાજા અનંગ ભીમદેવે સને ૧૧૬૬માં પુર્ણ કરાવ્યુ હતુ.  જે ૧૬૧ ફુટ ઉંચુ, ૮૦ ફુટ લાંબુ અને એટલુ જ પહોળુ છે. મંદિરના મુખ્ય ત્રણ ભાગ છે. (૧) શ્રી મંદિર (ર) જગમોહન મંદિર અને (૩) મુખશાલા ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે ઘણી કથાઓ છે. ભગવાન કૃષ્ણને મારી નાખવાના હેતુથી કંસે અક્રુરને રથ લઇને કૃષ્ણને બોલાવવા મોકલ્યા. કૃષ્ણ અને બલરામ બંને અક્રુર સાથ રથ પર બેસી  ગોપીઓની વિદાય લઇ મથુરા જવા નકળ્યા. તે દિવસને રથયાત્રાના ઉત્સવ તરીકે ભકતો ઉજવે છે. તો બીજી એક કથા પ્રમાણે કંસવધ પછી આખી મથુરા નગરીને દર્શન આપવા માટે શ્રીકૃષ્ણ બલરામ નગરીમાં નીકળ્યા હતા તેની સ્મૃતિ પણ આ ઉત્સવ સાથે જોડાયેલી છે. વળી એકવાર સુભદ્રાને રથમાં બેસાડી બંને ભાઇઓએ તેને દ્વારીકાની નગરશોભા દેખાડી હતી તે પ્રસંગની સ્મૃતિ પણ રથયાત્રા સાથે જોડાયેલી છે.(

: સંકલન : પ્રદિપભાઇ ખીમાણી જૂનાગઢ  મો. ૯૪૨૮૩ ૭૮૭૭૭

(12:00 pm IST)