Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

કાલે ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

સવારે ૮ વાગ્યે સોનાના ઝાડુથી 'છેડાપોરા' - પહિન્દ વિધિ સાથે પ્રસ્થાન થશે : વિવિધ જગ્યાએ ભવ્ય સ્વાગત કરાશે : ચુસ્ત બંદોબસ્ત

 ભાવનગર, તા.૧૩ : ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વ.શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૩ વર્ષથી કરવામાં આવે છે. આ ૩૩ વર્ષ દરમિયાન અનેકવિધ પડકારો અને સંઘર્ષોની વચ્ચે દબદબાપૂર્વક આ રથયાત્રા નીકળી છે. આ વર્ષે તા.૧૪ને શનિવારે સવારે ૮ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રી શ્રી રશ્મીકાંતભાઈ દવે અને શાસ્ત્રીશ્રી કિરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોકત વિધિથી સ્થાપના કરી પૂજા - અર્ચન કરવામાં આવશે અને સંતો - મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજશ્રી જયવીરસિંહજીના હસ્તે સોનાના ઝાડુથી ''છેડાપોરા'' વિધિ તથા ''પહિન્દ'' વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે તેમ રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયાએ પત્રકાર પરિષદમાં જણાવેલ અને વિશેષમાં જણાવેલ કે પરંપરાગત રીતે જે કાષ્ટના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે.

રથયાત્રા સમિતિના મહામંત્રી મનસુખભાઈ પંજવાણીએ જણાવેલ કે ભગવાનના વાઘા બનાવવાની સેવા આપતા હરજીવનભાઈ દાણીયાધારીયાએ આ વર્ષે પણ સેવા આપેલ છે. તેમજ વાઘાનું અને પડદાનું કાપડ ચંદ્રાબેન શાંતિલાલ ચૌહાણ, કાળીયાબીડવાળા તરફથી સેવામાં મળેલ છે. ભગવાનના કલાત્મક સાફા બનાવવાની સેવા પ્રફુલાબેન બાબુલાલ રાઠોડ, કાળીયાબીડવાળા દ્વારા મળેલ છે.

રથયાત્રા સમિતિના મંત્રી કરશનભાઈ વસાણીએ જણાવેલ કે વિસ્તારોને ધજા, પતાકા, રોશની કંપનીઓ, વેપારીઓ, સંસ્થાઓ દ્વારા સ્વાગત કમાનો દ્વારા શણગારી રહ્યા છે તથા ઠેરઠેર પ્રસાદ, શરબત, છાશ, ચણા તથા જુદી - જુદી પ્રસાદીની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. રથયાત્રા સમિતિના આગેવાન અનિરૂદ્ધસિંહજી ગોહિલે જણાવેલ કે આ રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩ ટન ચણાની પ્રસાદી ધર્મપ્રેમી લોકોના યોગદાનથી મળેલ છે તેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.

રથયાત્રા સમિતિના આગેવાન પાર્થભાઈ ગોંડલીયાએ જણાવેલ કે આ વર્ષે રથયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મંત્રી વિભાવરીબેન દવે, ઝાંઝરકા ગાદીપતિ મહા મંડલેશ્વર અને રાજયસભાના સાંસદ પ.પૂ.શ્રી શંભુનાથજી મહારાજ, ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મેયર મનભા મોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રથયાત્રા સમિતિના આગેવાન એમ.ડી. ગોહિલે જણાવેલ કે આ રથયાત્રામાં જુદા - જુદા આકર્ષણો જોડાનાર છે જેમાં મીની ટ્રેઈન, વાંદરો, નાસીક - ઢોલ, તોપ, લંબુ વગેરે આકર્ષણો આ રથયાત્રામાં જોડાશે. રથયાત્રાની આગળ આગળ તાત્કાલીક રંગોળીઓ બનાવવામાં આવશે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવતી જશે.

રથયાત્રા સમિતિના આગેવાન ઋતુભાઈ દાણીધારીયાએ જણાવેલ કે આ રથયાત્રામાં ૧૦૦ ઉપરાંત ટ્રક, ૫ જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકરડા, ૩ હાથી, ૮ ઘોડા, ૪ અખાડા, જુદી - જુદી રાસ મંડળીઓ, સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા, ડી.જે.સાઉન્ડ સિસ્ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતો ઉપર કાર્યક્રમ પણ રથયાત્રામાં જોડાયેલ છે તથા સામાજીક, ધાર્મિક, સંસ્થાઓ, ગાયત્રી પરિવાર, અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થા, સ્વામીનારાયણ મુખ્ય મંદિર વગેરે સંસ્થાઓના ફલોટો તથા અન્ય ફલોટ આકર્ષક બની રહેશે તેમજ રાજહંસ નેચરલ કલબ ટ્રસ્ટ દ્વારા પ્રદૂષણની સામે વૃક્ષોનું વાવેતર લોકો કરે તે માટેનો ફલોટ તથા અનેકવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના ફલોટ્સ તેમજ લાખો શ્રદ્ધાળુ ભાઈ - બહેનો આ રથયાત્રામાં પગપાળા જોડાશે.

રથયાત્રા સમિતિના આગેવાન હરેશભાઈ ચાવડાએ જણાવેલ કે રાષ્ટ્રની રક્ષા કાજે જેમણે સેવા આપી છે તેવા માજી સૈનિક સંગઠન દ્વારા હેવમોર ચોકમાં માજી સૈનિકો ભગવાન શ્રી જગન્નાથજીને બેન્ડ અને બ્યુગલ દ્વારા સલામી આપી ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

રથયાત્રા સમિતિના આગેવાન રસીકભાઈ વાઘેલાએ જણાવેલ કે દર વર્ષ મુજબ આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ કદનું ઘોઘાગેઈટ ખાતે લગાડવામાં આવેલ છે તથા ઘોઘાગેઈટ બિઝનેસ સેન્ટર ખાતે શ્રી હનુમાનજી મહારાજનું ભવ્ય હોર્ડીંગ્સ તથા જશોનાથ ચોક, ટી.સી. ટાવર, કાળાનાળા, શિવરામ રાજયગુરૂ ચોક, ખારગેઈટ, આર.ટી.ઓ ઓફીસ સામે, નિલમબાગ, પાવર હાઉસ પાસે, ચાવડીગેઈટ વગેરે સ્થળોએ જુદા જુદા ધાર્મિક અને રાષ્ટ્રીય મહાપુરૂષોના વિશાળ કદના હોર્ડીંગ્ઝ લગાડવામાં આવેલ છે.

રથયાત્રા સમિતિના વિશાલભાઈ ત્રિવેદીએ જણાવેલ કે રથયાત્રા શનિવારે શ્રી ભગવાનેશ્વર મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિર સુભાષનગરથી સવારે ૮ કલાકે પ્રસ્થાન થઈ મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ સહિત જુદા - જુદા વિસ્તારોમાંથી પરિભ્રમણ કરીને શ્રી જગન્નાથજી મંદિરનાં પટાંગણમાં ધર્મસભાના રૂપમાં ફેરવાશે.

આ ધર્મસભાને પૂ.સંતો, મહંતો, પ.પૂ.શ્રી ગરીબરામબાપુ, પ.પૂ. શ્રી રામચંદ્રદાસજી, પ.પૂ.શ્રી ઓલીયાબાપુ, પ.પૂ.શ્રી વેણુગાયક પ્રભુ (ઈસ્કોન) તથા રથયાત્રા સમિતિના અધ્યક્ષશ્રી હરૂભાઈ ગોંડલીયા, મનસુખભાઈ પંજવાણી વગેરે સંબોધન કરશે.

રથયાત્રા સમિતિના આગેવાન હરેશભાઈ ચૌહાણે જણાવેલ કે આ રથયાત્રામાં જોડાનાર ફલોટો વચ્ચે થીમ આધારીત ફલોટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક થી પાંચ સુધીના ક્રમે આવનાર ફલોટોને ઈનામો આપવામાં આવશે અને પ્રોત્સાહિત ઈનામો પણ આપવામાં આવશે. આ ઉપરાંત વેશભૂષા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમાં પણ એક થી ત્રણ ક્રમે આવનારને ઈનામો આપવામાં આવશે. નિર્ણાયકો દ્વારા તૈયાર થયેલ સીલબંધ કવરમાં પરિણામ હલુરીયા ચોકમાં રથયાત્રાના અધ્યક્ષને સોંપશે. નિર્ણાયક તરીકે કાળુભાઈ દવે, નયનાબેન દવે, એસ.પી. ઉપાધ્યાય, એસ.ડી. રાવળ, અરવિંદભાઈ દવે, વિપુલભાઈ હિરાણી, પ્રીતિબેન જોષી, શૈલેન્દ્રસિંહ ગોહિલ વગેરે વર્ષોથી સેવા આપે છે.

રથયાત્રા સમિતિના આગેવાન યોગેશભાઈ જોષીએ જણાવેલ કે આજે શુક્રવારે રાત્રે રાજય સંગીત નાટ્ય એકેડમી અને રામ ગ્રુપ વડવા ચોરા આયોજીત ભવ્ય સંતવાણી અને ડાયરાનું જશોનાથ ચોક ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં અલ્પાબેન પટેલ, અંકિત ખેની (બાળ ટીવી કલાકાર), સુખદેવ ગઢવી (લોકસાહિત્યકાર) અને તેમનું ગ્રુપ રમઝટ બોલાવશે તથા રથયાત્રાના દિવસે રામ ગ્રુપ દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

રથયાત્રા સમિતિના ટ્રસ્ટી ભાવેશભાઈ ત્રિવેદીએ જણાવેલ કે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે વહીવટી તંત્ર, પોલીસતંત્ર, મહાનગરપાલિકા તરફથી સારી એવી વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. તે ઉપરાંત રથયાત્રા સમિતિના સ્વયંસેવકો દ્વારા તમામ રીતે રથયાત્રાની વ્યવસ્થા સંભાળશે.

આ પત્રકાર પરિષદમાં શિવ વિહાર ટ્રસ્ટના મહેન્દ્રસિંહ રાણા, ભરતસિંહ રાણા તથા શ્રી હરપાલસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા અંગેનું માર્ગદર્શન પણ આપેલ હતું. અંતમાં રથયાત્રા સમિતિના આગેવાન યોગેશભાઈ જોષીએ જણાવેલ કે આ રથયાત્રાના પ્રણેતા અને હિન્દુ સમાજના જીવનપર્યત કાર્યો કરનાર અડીખમ યોદ્ધા સ્વ.ભીખુભાઈ ભટ્ટની હિન્દુ સમાજને મોટી ખોટ પડેલ છે. જે કદી પૂરી શકાય તેમ નથી. પરંતુ તેમણે શરૂ કરેલ આ રથયાત્રા પરંપરાગત રીતે નીકળતી રહે અને તેમના હિન્દુ સમાજ માટેના અધુરા કાર્યો અમો તથા આપણે સૌ સાથે મળી પૂર્ણ કરતા રહીએ અને મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાઈએ તેજ તેમના પ્રત્યેની હિન્દુ સમાજની સાચી શ્રદ્ધાંજલી ગણાશે તેઓની સ્મૃતિરૂપે અને અમોને સતત પ્રેરણા મળતી રહે તે માટે આ જગન્નાથજીના રથયાત્રાના રથ પર તેઓના બે ફોટોગ્રાફસ લગાવવામાં આવેલ છે.(૩૭.૭)

(11:59 am IST)