Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

રાજુલા પંથકમાં દબાણો દૂર કરવામાં શરમ કોની ?

ગરીબોના ઝુંપડા તોડી પાડતા સત્તાધીશો હજારો એકર દબાવી બેઠેલા ભૂ-માફિયા સામે મૌન, લોકરોષ ભભૂકયો : ૨૦ દિ'માં યોગ્ય નિર્ણય નહિ લેવાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડશે : પંથકના જાગૃત નાગરિકોની ઉગ્ર ચિમકી

રાજૂલા તા.૧૩ : પંથકના વિવિધ ગામોમાં જમીન માફિયાઓ દ્વારા દબાણ કરીને સરકારી પડતર, ગૌચરની જમીનોમાં જીંગાફાર્મો ઉભા કરીને કરોડોની કાળી કમાણી થઇ રહી હોવાની અનેક ફરીયાદો, આવેદનપત્રો તથા છેલ્લે પીપાવાવના ગ્રામજનો દ્વારા ૭૫ દિવસ સુધી આંદોલન કરવા છતા પણ યોગ્ય નિવેડો લાવવામાં નહિ આવતા દબાણ કયારે દૂર થશે ? તેવો વેધક સવાલ સંભળાવા લાગ્યો છે.

આ અંગે પંથકના જાગૃત નાગરિકોતો બેધડક કહી રહ્યા છે કે, એક બાજુ ગરીબોના ઝુંપડા તોડી પાડવામાં આવે છે. પરંતુ ભૂ-માફિયાઓ દ્વારા હજારો એકર જમીન ઉપર દબાણ કરવા છતા એનો વાળ પણ કેમ વાંકો થતો નથી ?  લેન્ડ ગ્રેબીંગનો કાયદો બનાવાયો શા માટે ?  લોકો આંદોલન કરે છતા પણ દબાણો શા માટે હટાવવામાં આવતા નથી ?

એવી જ રીતે ઘણા લોકો તો એમ પણ કહે છે કે, જીએચસીએલ જેવી કંપની દ્વારા છડેચોક શરતભંગ કરી ૨૦૧૧ થી લીઝની મંજુરી વગર હજારો એકર જમીનમાં મીઠાનુ ઉત્પાદન કરવામાં આવે છે. છેલ્લે છેલ્લે ૨૦૧૮માં લીઝ મંજૂર કરવાની વાતો વહેતી થતા અમૂક ઉચ્ચ અધિકારીઓ સામે આંગળી ચીંધવા પાછળનું કારણ શુ ?  જો ખરેખર શરતભંગ હોય તો પછી લીઝ શા માટે મંજૂર થઇ ? તો આ મામલે આગામી ૧૫ થી ૨૦ દિવસમાં તટસ્થ તપાસ કરી દબાણો દૂર નહી કરવામાં આવે તો ના છુટકે હાઇકોર્ટના દ્વાર ખટખટાવાની ફરજ પડશે તેવી જાગૃત નાગરીકોએ ઉગ્ર ચિમકી ઉચ્ચારી છે.

(11:43 am IST)