Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

નાગરિક સુવિધાનો લાભ લોકો સુધી પહોચાડવા અધિકારીઓને જણાવતા સાંસદ પુનમબેન

જિલ્લા કલેકટર કચેરી ખાતે મોનીટરીંગ કમિટીની બેઠક સંપન્ન

જામનગર, તા.૧૩:  કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યકિતગત તથા સામુહિક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ગ્રામિણ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડ્રીંકીગ વોટર પ્રોગ્રામ, ફસલ વિમા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઇન્ડીયા વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતા પૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે. આ સંદર્ભે જામનગર સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક કલેકટર કચેરીની સભા ખંડ ખાતે યોજવામાં આવી હતી.

આ તકે સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યુ કે સરકાર તરફથી લોકઉપયોગી અનેક યોજનાઓ કાર્યવંત છે તે યોજનાઓ સાચા અર્થે લોકો સુધી પહોચે તે માટે લોકોને આ યોજનાઓની સાચી સમજ આપી તેમને જાગૃત કરવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ કે શિક્ષણ અને આરોગ્ય સમાજ જીવનના પાયાના આધારસ્તંભ છે ત્યારે સારૂ શિક્ષણ અને કુપોષણ દુર કરવા માટે લોકોમાં જાગૃતતા લાવવાની ખૂબજ જરૂરીયાત છે. આ તકે સાંસદશ્રીએ જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓની વિગતવાર સમિક્ષા કરી હતી અને અધિકારીશ્રીઓ સાથે યોગ્ય પરામર્શ કરી લોકોને યોજનાઓનો પુરો લાભ મળે તે માટે સુચનો કર્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વેશ્રી વલ્લભભાઇ ધારવીયા, ચિરાગભાઇ કાલરીયા, પ્રવિણભાઇ મુછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, કલેકટરશ્રી રવિ શંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રસશ્તિ પારીક, ડી.આર.ડી.એ. નિયામક શ્રી ગાંધી, નિવાસી અધિક કલેકટરશ્રી કેલૈયા, ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)