Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

મોરબીના ચાંચાપર પંથકમાં વરસાદ નહીં વરસતા ખેડુતો ચિંતામાં

ચાંચાપર (મોરબી) તા.૧૩: મોરબી તાલુકાના ચાંચાપર પંથકના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ સંચરાધાર થયો ન હોવાથી ધરતી પુત્રોના જીવ પડીકે બંધાયા છે. આજ દિન સુધી જેટલો વરસાદ વરસ્યો તેબધો ઝરમરીયો-ઝાપટા સ્વરૂપે વરસ્યો છે.

રોહિણી નક્ષત્ર કોરી ધાકોડ ગઇ-આજ દિન સુધી ગામ સોંસરવા પાણી નીકળ્યા નથી !! ખેતરો સંચરાધાર વરસાદ વિના કોરા ધાકોડ પડયા છે!! વાવણીની મુઠ મુકાઇ જ નથી!!

માત્ર એકાદ બે સામાન્ય ઝાપટા પડયા...!! ત્યારપછી આદ્રા નક્ષત્રમાં પણ ઝાપટાં જ પડયા...!!  અત્યારે બીજો જેઠ માસ વિતવાની અણી પર છે. છતાં આકાશમાં વરસાદના કોઇ ચિન્હો જણાતા નથી!! ધરતીપુત્રો કાગની ડોળે વરસાદની રાહ જોઇ રહયાં છે પણ વાલો ઉતરતો નથી. જેથી ખેડુતોને મુંઝવણનો કોઇ આરોવારો નથી.

વાડી પડામાં જેના કુવામાં પાણી છે તેમણે અગાઉ થાપણીયા વાવેતરો કપાસ વિગેરે કરેલ છે. ઉગાવો પણ સારો છે પણ આવા ખેડુતોના કુવામાં પાણી ડુકવા લાગ્યા છે. હવે પાણી વિના કરવું શું?? તેવા સવાલે મુંઝાણા છે.

ચાંચાપર ગામના પાદરમાંથી પરસાર થતી ડેમી નદી પર સકારે ત્રણ ત્રણ ડેમ બાંધેલ છે. (૧) ડેમી ડેમ મિતાણા ડેમ, (ર) ડેમી ડેમ રાજાવડ ડેમ, (૩) ડેમીડેમ કોયલી-ખાનપર ડેમ.

આ ત્રણેય ડેમો ખાલીખમ પડયા છે!! હાલ પાણીને બદલે કાંકરાઉડી રહયા છે!!

કોયલી ગામના વયોવૃધ્ધ આગેવાન અને એ ગામના પુર્વ સરપંચ હીરાભાઇએ જણાવેલ કે, માલધારીઓ પાસે ઘાસચારો થઇ રહયો છે. જાનવરોને કેમ નિભાવવા તે સવાલ ઉભો થયો છે, નદીઓ ખાલીપડી છે!! સીમતળમાં પાણી ભુગર્ભમાં જવા લાગ્યા છે!! ખેડુતોએ ખેતરોમાં થાપણીયા વાવેતરો વરસાદ ટાઇમસર આવશે તેવી હૈયા ધારણા સાથે મોટા પ્રમાણમાં, મોંઘા ભાવના બી-બીયારણ-જંતુનાશક દવાઓ ખરીદી છાંટી લખલૂંટ ખર્ચ કરેલ છે પણ મેઘરાજા ઝાપટા સિવાય મનમુકીને વરસતો નથી. જો બેચાર દિવસમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોને હજારો- કરોડો રૂપીયાની નુકશાની થશે  તો માલધારીઓને દુઝણા જાનવરો મુકવા કયાં? તે સવાલ ઉભો થયો છે.

(10:12 am IST)
  • અમદાવાદમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા AMCના નિર્ણયને હાઇકોર્ટની બહાલી:પાઉચનું ઉત્પાદન કરનારા મેન્યુફેક્ચરર્સની અરજી હાઇકોર્ટે ફગાવી: કેન્દ્ર સરકારના નોટિફિકેશન GPCB અને રાજ્ય સરકારની રજુઆતોને સાંભળ્યા બાદ કોર્ટે અરજી અમાન્ય રાખી access_time 8:30 pm IST

  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST

  • પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજિસ્ટ એન્ડ માઈક્રો બાયોલોજીસ્ટ ના પ્રેસિડેન્ટ ડો. રાજેન્દ્ર લાલાણીની જાહેરાત : ચોક્કસ લાયકાત વાળા ડોકટરો સિવાયની પેથોલીજી લેબોરેટરી બાબતે કોર્ટનો મહત્વનો નિર્ણય : કોર્ટ દ્વારા આવી લેબોરેટરીના સંચાલકોએ કરેલી રીવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી : સુપ્રીમ કોર્ટે આ પૂર્વે 12-12-17ના રોજ ગેરકાયદે પેથોલોજી લેબ બાબતે આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો : ચુકાદામાં કોર્ટે કરેલા નિર્દેશ મુજબ પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : લેબ ધારકોની કોર્ટમાં પડકારતી રીવ્યુ પિટિશન ફગાવી દેવાતા એમ ડી પેથોલોજી વિનાની લેબોરેટરી કરવી પડશે બંધ access_time 1:27 am IST