Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જૂનાગઢ જિલ્લાના બાળકોને તા. ૧૬થી મિઝલ્સ રૂબેલા રસીથી સુરક્ષિત કરાશે

મીઝલ્સ રૂબેલા રસીકરણ ઝુંબેશ દરમિયાન દર ૮૦ બાળકોએ એક ટીમ તૈનાત રહેશે

જૂનાગઢ તા. ૧૩ : સમગ્ર ગુજરાત રાજયમાં મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન શરૂ થનાર છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાનાં ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. આ માટે જૂનાગઢ જિલ્લાનાં મીડિયાકર્મીઓને રસીકરણ ઝંબેશ સંદર્ભે હાથ ધરાનાર કામગીરીની વિગતો જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૈાધરીએ આપતા જણાવ્યુ હતુ કે મિઝલ્સ(ઓરી) અને રૂબેલા(નુરબીબી) વાઇરસથી થતી બિમારી છે.

સમગ્ર ભારત દેશમાં મિઝલ્સની બિમારીને કારણે અંદાજીત ૪૯,૦૦૦ બાળકો મૃત્યુ પામે છે, જયારે રૂબેલાની બિમારીને કારણે અંદાજે ૪૦૦૦૦ જેટલા બાળકો જન્મજાત ખોડખાંપણનો ભોગ બને છે. મિઝલ્સને નાબુદ કરવા અને રૂબેલાને નિયંત્રણ કરવા રાષ્ટ્રવ્યાપી MR (મિઝલ્સ રૂબેલા) રસીકરણ ઝુંબેશ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજયમાં તા.૧૬ થી MR (મિઝલ્સ રૂબેલા)  રસીકરણ અભિયાન શરૂ થનાર છે, જે અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાનાં બાળકોને આ રસી દરેક સરકારી અને ખાનગી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય કેન્દ્રો ખાતે મુકવામાં આવનાર છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનાં પ્રતિનીધી ડો. કમલાકરે જણાવ્યુ હતુ કે ભારતમાં અત્યાર સુધી ૮ કરોડથી પણ વધુ બાળકોને આ રસીથી સુરક્ષીત કરવામાં આવેલ છે. આ રસી ખુબજ ઉચ્ચ ગુણવતાયુકત છે અને તેની કોઇ ગંભીર આડઅસર થતી નથી. વિશેષમાં જો કોઇ બાળકે રસીકરણ અભિયાન અગાઉ પણ MMR અથવા MRની રસી મુકાવેલી હોય તો પણ આ રસીકરણ અભિયાનમાં રસી મુકાવવી જરૂરી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.એ.મહેતાએ જણાવ્યુ કે આ સમગ્ર અભિયાન દરમ્યાન તાલીમબધ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા જ MRના રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાનાં આરોગ્ય કાર્યકર, આંગણવાડી બહેનો અને તમામ શાળાના આચાર્ય અને શિક્ષકોની તાલીમ પુર્ણ કરવામાં આવેલ છે.

જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. હારૂન ભાયાએ જણાવ્યુ કે આ રસીકરણ અભિયાન અંતર્ગત કોઇ પણ જાતની અફવા પર ધ્યાન ના આપવું અને જરૂર જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સોશ્યલ મીડિયાપર જો કોઇ આ કેમ્પેઈન સંદર્ભે અપપ્રચાર થતો માલુમ પાડે તો જીલ્લા આરોગ્ય તંત્રને જાણ કરી અને લોકોને વાસ્તવીક બાબતથી અવગત કરવા માધ્યમકર્મીઓને અનુરોધ કર્યો હતો.

ડો. સંજીવકુમારે જૂનાગઢ જિલ્લાનાં દરેક કુટુંબને પોતાના ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને આ અભિયાન અંતર્ગત મિઝલ્સ રૂબેલાની રસીનું ઇન્જેકશન જરૂરથી મુકાવી આ અભિયાનને સફળ બનાવવા નમ્ર અપીલ કરી હતી.(૨૧.૩)

(9:42 am IST)