Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પોરબંદરમાં ૬૦થી ૭૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતો પવનઃ વાવાઝોડુ ૧૪૦ કિ.મી. દુર

બગવદર,અડવાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર પવનના સૂસવાટાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાંં પવનનુ જોર વધ્યુ : ગીરસોમનાથ જીલ્લાના ઝાલેશ્વરમા એનડીઆરએફની ટીમનુ રેસ્કયુઃ ૨૫૦ ગ્રામજનોને સલામત સ્થળે ખસેડાયા

 પોરબંદર તા.૧૩: ''વાયુ'' વાવાઝોડાનો ભય ટળ્યો છે પરંતુ પવનનુ જોર વધ્યુ છે આજે બપોરે પોરબંદરમા ૬૦  થી ૭૦  કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા લોકોમા ભય પ્રસરી ગયો છે. પોરબંદરમાં જુદા જુદા વિસ્તારમાં ચાર ઝાડવા તથા બે વિજ થાભલા પડી ગયા છે.

જયારે પોરબંદરના બગવદર, અડવાણા સહિત પોરબંદર જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવનનુ જોર વધ્યુ છે. પવનનુ જોર વધતા લોકો સલામત સ્થળે પહોંચી ગયા છે.

આવા વાતાવરણ વચ્ચે ચોટીલા ઉપલેટા, ગોંડલ પડધરી જોડિયા સહિતના વિસ્તારોમાં પણ જોરદાર પવન સાથે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.

ખાનગી કલાઇમેટ એજન્સીઓ ભલે વાયુ વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રહ્યાનો દાવો કરે. પરંતુ વાવાઝોડાની અસર હજુ સૌરાષ્ટ્ર માટે ભયજનક છે. વાયુ વાવાઝોડાનો વ્યાપ ૯૦૦ કિલોમીટરનો છે. જેથી વાવાઝોડાની ગુજરાતને ચોક્કસ અસર થવાની છે. અને તે વેરી સિવિયર સ્વરૂપે હોવાના કારણે તેની અસર જોવા મળશે. આ વાવાઝોડુ બપોરના સમયે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની આસપાસ પસાર થશે. ત્યારે સૌરાષ્ટ્રના કાઠા વિસ્તારમાં ભારે પવન અને ભારેથી અતિભારે વરસાદ વરસશે. પ્રતિ કલાક ૧૪૦ થી ૧૭૦ કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે.

અરબ સાગરમાંથી આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાને લઇને ગુજરાત માટે હજુ ભયજનક સ્થિતિ છે. વાયુ વાવાઝોડાએ દિશા બદલી છે. પરંતુ અતિભારે વરસાદનો ખતરો યથાવત છે. રાજ્યમાં આગામી ૪૮ કલાક વાવાઝોડાને લઇને એલર્ટ થયાવત છે. ૨૬ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, કચ્છમાં દસ ઇંચ થી વધુ વરસાદ પડી શકે છે.

(4:02 pm IST)