Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

કેશોદમાં વાવાઝોડાના ભય વચ્ચે તિવ્ર પવન સાથે હળવા વરસાદે કર્યો ચોમાસુ સિઝનનો શુભારંભ

ગઇ કાલે તો ઘાત ટળી આજે વિલનરૂપિ વાવાઝોડુ શું કરશે? સર્વત્ર એકજ ચર્ચા : ર મી.મી સાથે ભીમ અગિયારસ મંગલમય પર્વના વધામણા કરતા મેઘરાજાઃ લોકોમાં ભય સાથે ખુશીની લાગણીઃ સ્થિતિના કારણ એસ.ટી. બસના મોટા ભાગના ગ્રામ્ય રૂટો રદ્દઃ કુદરતી આફતને પહોંચી વળવા માટે તંત્ર સાબદુઃ લોકોએ શાકભાજી સહીત ખાસ સામગ્રીનો જથ્થો એકત્રીત કરી લીધો

કેશોદ તા.૧૩: કેશોદ વિસ્તારમાં વાવાઝોડાના ભય વચ્ચે ગત રાત્રીના પવન સાથે વરસાદનું આગમન થયેલ હતું. જે આજે સવારે પણ ઝરમરીયો ચાલુ રહેવા પામેલ છે.

હવામાન તંત્ર દ્વારા તા.૧૨ અને ૧૩ જુન દરમ્યાન દરીયાઇ પટ્ટી વિસ્તારમાં વાવાઝોડુ ફુંકાકાવાની આગાહી કરવામાં આવેલ અને ગઇકાલે આ કુદરતી આફતની સ્થિતિ વેરાવળ નજીક હોવાના સમાચારો પ્રવર્તી રહેલ હતા. દરીયાઇ પટ્ટી સાથે કેશોદ વિસ્તારને લાગે વળગે છે ત્યા સુધી કેશોદ વિસ્તારથી અંદાજે ૨૦ કી.મી.ના અંતરમાં દરીયાઇ પટ્ટી આવેલ હોઇ વાવાઝોડાની અસર કેશોદ વિસ્તારને પણ થાય તેવી સંભાવનાઓ જણાઇ રહેલ છે.

ગઇકાલે સવારથીજ વાતાવરણ પલ્ટાઇ જતા ચોમાસુ સિઝનની શરૂઆત થયાનો અહેસાસ થઇ રહેલ હતો લગભગ બપોરના ર વાગ્યાના અરસાથી પવનની તિવૃતા વધી ગયા બાદ રાત્રીના વાતાવરણ પ્રભાવીત બનેલ હતું જોકે ગઇકાલે રાત્રીના પવન સાથે સામાન્ય લગભગ ૨ થી ૩ મીમી જેવો વરસાદ પડેલ હતો અને આમ ગઇ કાલે તો ઘાત ટળી હતી, આજ સમારથીજ વાતાવરણ સંપુર્ણ પર્ણે પ્રભાવીત જણાઇ રહેલ છે આકાશમાં કાળા ડીબાંગ સજળ વાદળોની સ્થિતિ વચ્ચે ઉનાળાના ભારે તાપ બાદ આજ સવારે સૌ પ્રથમ વખત સુર્યદર્શન થવા પામેલ નથી. ત્યારે સર્વત્ર એકજ વિષય પર ચર્ચા સંભળાઇ રહી છે કે આજે વિલન રૂપિ વાવાઝોડુ ત્રાટકશે કે કેમ? આ અંગે સામાન્ય લોકોથી લઇ તંત્ર વાહકો સૌકોઇ ચિંતિત જણાઇ રહ્યા છે ત્યારે સંભવતા સર્જાનાર કુદરતી આફત ટળીજાય અને મેઘરાજા કોઇપણ નુકશાની વગર વરસી કેશોદ વિસ્તારની ટપાસ બુઝાવી, આગામી વર્ષ સફળ બનાવે તેવી પ્રાર્થનાઓ શરૂ થયેલ છે.

દરમિયાન આવનાર વાવાઝોડા જેવી કુદરતી આફતને પહોંચી વળવા માટે સ્થાનીક સંબંધીત તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ જણાઇ રહેલ છે. કોઇ જાનહાની કે મોટી નુકશાની ન થાય તે માટે તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવેલ છે. જરૂરીવાહનો, સ્ટાફ ઉપરાંત અસરગ્રસ્ત લોકો માટે ચોખા સહીત ખાધ સામગ્રીના જથ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ગઇકાલે રાત્રીના વરસાદ અને પવનના સંયોગના કારણે વિજપુરવઠો વારંવાર ખોળંભાઇ જતો હતો સ્થિતિને ધ્યાને લઇ લોકોએ પણ શાકભાજી સહીતની જીવન જરૂરી ચિજ વસ્તુઓનો લગભગ છથી આઠ દિવસ ચાલે તેટલો જથ્થો એકત્રીત કરી લીધેલ છે. આ સ્થિતિના કારણે શાકભાજી સહીતની વસ્તુઓના ભાવ વધી જવા પામેલ છે.

ગઇકાલે રાત્રીના પવનના સુસવાટા સાથે સામાન્ય વરસાદ પડેલ હતો જો કે આસ્થિતિ વચ્ચે કોઇ નુકશાનીના વાવડ મળેલ નથી ઉદભવનાર કુદરતી આફતની સ્થિતિના પગલે એસ.ટી.તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે દરીયાઇ પટ્ટી જંગલ વિસ્તાર તથા ઘેડ વિસ્તાર તરફ જતી તમામ લોકલ એસ.ટી. બસના રૂટો રદ કરેલ છે.

વાતાવરણ પલટાઇજતા સુર્યનારાયણનો પ્રભાવ ઓછો થતા અને વહેતા પવન અને સામાન્ય વરસાદનો કારણે ગરમીમાં થોડી રાહત થવા પામેલ છે જોકે ઉકળાટ અને આકાશી સ્થિતિ જોતા સારોવરસાદ થાય તેવી શકયતા નકારી શકાય નહીં.

અત્રેના મામલતદાર કચેરી ખાતે કંટ્રોલરૂમનો સંપર્ક કરતા ગઇ રાત્રીના રમીમી જેવો વરસાદ પડેલ હોવાનું સુત્રોએ જણાવેલ છે. આજે સવારે ૧૦-૩૦ કલાકે આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે પૂર્વ તરફથી વહેતો પવન વરસાદને ખેંચી લાવતો હોઇ ઝરમરીયો વરસી રહ્યો છે.

ભિમ અગીયારસના મંગલમય પર્વથી સમયસર શુકન સાચવવા મેઘરાજા પધારેલ છે ત્યારે સર્જાનાર કુદરતી આફત સમીજાય અને મેઘરાજા પ્રભાવીત બની કેશોદ વિસ્તારની તરસા ધરાને રસતરબોળ કરી ધરવી દે તેવી આશા લોકો વ્યકત કરી રહેલ છે સમયસર ચોમાસુ સિઝનના શુભારંભ વચ્ચે સામે દેખાતી કુદરતી આફત વચ્ચે લોકોમાં ભય સાથે ખુશીની લાગણી પ્રવર્તેલ  છે.

(3:38 pm IST)