Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

રાજુલા વિસ્તારમાંથી ૧૩ ગામના પ૧૦૦ લોકોનું સ્થળાંતરઃ તંત્ર સજ્જ

રાજુલા, તા., ૧૩: રાજુલા શહેર અને તાલુકાના ગામડાઓમાં મામલતદાર કચેરી અને નાયબ કલેકટરશ્રીની દેખરેખ નીચે ૧૩ ગામોમાંથી નીચાણવાળા વિસ્તારોમાંથી અને દરીયા કિનારાના વિસ્તારમાંથી તેમજ ખેતીવાડી વિસ્તારમાંથી આશરે પ૧૦૦ લોકોનું જે તે ગામની પ્રાથમીક શાળા અને પાકા મકાનોમાં સ્થળાંતર કરવામાં આવેલ છે. રાજુલા શહેરની વિવિધ સ્કુલોમાં નગર પાલીકાના ચીફ ઓફીસર અને ફાયર બ્રિગેડની ટીમ તેમજ ડંમ્પરો અને જેસીબી મશીનો સાથે તેમજ એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમે  તેમજ પ્રમુખ કાન્તાબેન ધાંખડા અને ઉપપ્રમુખ કનુભાઇ ધાંખડા અને તેમની સમગ્ર ટીમ દ્વારા સતત મોનીટરીંગ કરીને લોકોની સારસંભાળ લઇ રહયા છે જેમાં નગર પાલીકાનો સમગ્ર સ્ટાફ પણ જહેમત ઉઠાવી રહેલ છે.

તેમજ કલેકટરશ્રી આયુષ ઓકના ઓર્ડરથી રાજુલા નાયબ  કલેકટરશ્રી ડાભી તથા મામલતદારશ્રી રાજુલા-જાફરાબાદ દ્વારા ૩૦ જેટલા પેટ્રોલ પંપોનું ડીઝલ અને પેટ્રોલનો રીઝર્વ સ્ટોક રાખીને સમગ્ર પેટ્રોલ પંપનું વેચાણ બંધ કરાવેલ છે. આ અંગે તેઓ દ્વારા એવું જણાવેલ છે કે આકસ્મીક જરૂરીયાત સમયે આ પે્ટ્રોલ, ડીઝલનો જથ્થો કામ લાગે તેવા આશયથી આ વેચાણ બંધ કરાવેલ છે.

તેમજ રાજુલા જાફરાબાદ અને નાગેશ્રી પોલીસ દ્વારા આગમચેતીના પગલા રૂપે જાફરાબાદ શહેરમાં કામ સિવાય આવવા જવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

તેમજ જાફરાબાદ મામલતદારશ્રીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ છે કે ૯ (નવ) નંબરનું સીગ્નલ લગાડી દેવામાં આવેલ છે.

(3:37 pm IST)