Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સોરઠમાં 'વાયુ'ની અસરઃ વહેલી સવારથી તોફાની પવન વચ્ચે વરસાદ-વિસાવદરમાં અડધો ઇંચ

એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાતઃ તંત્ર ખડેપગેઃ જુનાગઢ જિલ્લાનાં ર૪ ગામોના ૩ર૩ર૬ લોકોનું સ્થળાંતર

જુનાગઢ તા. ૧૩: સોરઠમાં 'વાયુ' વાવાઝોડાની વહેલી સવારથી અસર શરૂ થઇ છે અને પરોઢિયેથી તોફાની પવન વચ્ચે વરસાદ છે. સૌથી વધુ અર્ધો ઇંચ વરસાદ વિસાવદર વિસ્તારમાં ખાબકયો છે.

વાયુ વાવાઝોડાની સંભવિત સ્થિતીનાં સામના માટે તંત્ર ખડેપગે છે એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાત કરવામાં આવેલ છે.

વાવાઝોડાની સ્થિતિને લઇ જુનાગઢ જિલ્લાનાં ર૪ ગામોનાં ૩ર૩ર૬ લોકોનું સલામત અને સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સવારનાં ૪ વાગ્યાથી જુનાગઢ શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સવારે ૮ વાગ્યા સુધીમાં જુનાગઢ ખાતે ૬ મીમી વરસાદ નોંધાયોહતો. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમીમાં રાહત મળી છે જુનાગઢનું લઘુતમ તાપમાન ઘટીને રપ.પ ડિગ્રી થઇ ગયું છે. જુનાગઢ કૃષિ યુનિ.નાં હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ જુનાગઢમાં પવનની પ્રતિ કલાકની ઝડપ ૧ર.૯ કિ.મી.ની છે.

જુનાગઢ ઉપરાંત વિસાવદર તાલુકામાં સવાર સુધીમાં ૧ર મી.મી. વરસાદ નોંધાયો છે. મે.ંદરડા ખાતે ૯ મી.મી., કેશોદમાં બે મી.મી., માંગરોળ-૩, મેંદરડા-બે અને વંથલીમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને દરિયાઇ પટ્ટીનાં માંગરોળ અને દરિયા કાંઠાનાં વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર ખાળવા માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ આગમચેતીનાં પગલા લેવામાં આવ્યા છે.

કલેકટર ડો. સૌરભ પારધી, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, ડી.ડી.ઓ. પ્રવીણ ચૌધરી, પ્રાંત અધીકારી રેખાબા સરવૈયા, એસ.પી. સૌરભસિંઘ, ઉપરાંત મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેશ સહિતના અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

આજે સવાર સુધીમાં જુનાગઢ જિલ્લાના ર૪ ગામોનાં ૩ર૩ર૬ લોકોનું સલામતી સબબ સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં સુત્રોએ જણાવ્યું હતું.

કોઇપણ સ્થિતીને પહોંચી વળવા એનડીઆરએફની ૩ ટીમ અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ઉપરાંત જુનાગઢ મનપાની બે ફાયરની ટીમ પણ સાધનો સાથે ખડેપગે રાખવામાં આવી છે.

તંત્ર દ્વારા અઢી લાખ ફુડ પેકેટ વિવિધ ધાર્મિક, સામાજિક, સેવાભાવી સંસ્થાઓ વગેરેનાં સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે.

(11:47 am IST)