Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

કચ્છમાં એલર્ટઃ ૨૫ હજાર લોકોનું સ્થળાંતરઃ પવન સાથે વરસાદ, કંડલા-જખૌમાં NDRF તૈનાત

ભુજ, તા.૧૩: વાયુ વાવાઝોડાની અસર વચ્ચે કચ્છમાં વહીવટીતંત્ર એલર્ટ છે. જોકે, વાયુ આજે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ ત્રાટકશે પણ ગઈકાલે સાંજથી જ સમગ્ર કચ્છ જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર લોકોએ અનુભવી હતી. સાંજે એકાએક સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નલિયા, નખત્રાણા, મુન્દ્રા, માંડવી ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી સાથે સાથે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડ્યો હતો. તો, બન્ની ખાવડા પંથકમાં મોટા રણમાં ધુળની ડમરીઓ આંધીએ લોકોને ઉચાટમાં મૂકી દીધા હતા.

દરમ્યાન કચ્છના વહીવટીતંત્રએ તકેદારીના પગલાં ભરીને કાંઠાળ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. કચ્છના ૬ તાલુકાઓ મુન્દ્રા, માંડવી, અબડાસા, લખપત, ભચાઉ, ગાંધીધામ માંથી કુલ ૨૫ હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. જે પૈકી સૌથી વધુ કંડલા ગાંધીધામમાં ૧૩ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. વાવાઝોડાની જયાં તીવ્ર અસર રહેવાની સંભાવના છે તેવા કંડલા અને જખૌમાં ફઝ્રય્જ્ ની ટીમોને તૈનાત કરાઈ છે. જખૌમાં કોસ્ટગાર્ડ પણ એલર્ટ છે.

 બીજી તરફ વાયુ વાવાઝોડાની અસર તળે કચ્છની ટ્રેન અને વિમાની સેવાને અસર પહોંચી છે. મુંબઈ, દિલ્હી સાથે જોડતી ટ્રેનો બંધ કરી દેવાઈ છે. તો, કંડલા અને ભુજ ના એરપોર્ટ પણ બંધ કરી દેવાયા હોઈ મુંબઈ સાથેનો વિમાની વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. કચ્છના ત્રણ મુખ્ય બંદરો કંડલા, મુન્દ્રા-અદાણી અને જખૌ માં અતિ ભયસુચક એવું ૯ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. તમામ દરિયાઈ વ્યવહાર ઠપ્પ કરી દેવાયો છે.

(11:30 am IST)