Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

આલે લે...ભારે કરી ધોરાજી પાલિકા કોમ્યુનિટી હોલમાં પશુપાલકનો કબજો... હોલમાં ભરાતી હતી નિરણ...

ધોરાજી, તા.૧૩:ફરેણી રોડ પર આવેલા એક કોમ્યુનિટી હોલ માં એક પશુપાલક દ્વારા પોતાના પશુઓ માટે નિરણ ભરવામાં આવી હોવાની ઘટના ઉજાગર થતા પાલિકતંત્ર જાણે ઊંઘતું ઝડપાયું હોય તેવો તાલ સર્જાયો હતો.

વાયુ વાવાઝોડાને પગલે ફરેણી રોડ વિસ્તારમાં જે નીચાણ વિસ્તાર આવેલો છે ત્યાં પોલીસ તંત્ર અને પાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા કામગીરી ચાલુ હતી ત્યારે એ લોકોને નજીકના કોમ્યુનિટી હોલમાં ખસેડવા તજવીજ હાથ ધરાઇ હતી.

કોમ્યુનિટી હોલ માં અસરગ્રસ્તો ને આશ્રય આપવા કોમ્યુનિટી હોલ ખાતે જતા આ હોલમાં આજ વિસ્તારમાં રહેતા કોઈ પશુપાલકે આખો હોલ પશુઓ માટેની નિરણ થી ભરી દીધો હોવાનું જાણ સમક્ષ આવ્યું હતું ધોરાજી નગરપાલિકા દ્વારા નિર્મિત અને લોકો ધાર્મિક સામાજિક પ્રસંગે લાભ મેળવી શકે તેવા હેતુસર સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ જે લોક ઉપયોગમાં આવવાની બદલે કોઈ પશુપાલક ની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તે પ્રમાણે દ્યાસથી ભરેલો જોવા મળ્યો હતો.

સરકારી મિલકત ગણાતા આ કોમ્યુનિટી હોલમાં બારી દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા તો આ બારી દરવાજા કોણે તોડ્યા તેમજ દરવાજા પર લગાવેલા તાળા કોણે તોડી આ સરકારી મિલકતમાં પશુઓ માટે ની નીરણ ભરી અને કેટલા સમયથી આ સરકારી મિલકત નો ખાનગી ઉપયોગ થતો હતો અને આ ઉપયોગ કોણ કરતું હતું એ પ્રશ્ન ઉભો થાય છે સરકારી મિલકત અને લોકો માટે બનાવવામાં આવેલા આ કોમ્યુનિટી હોલમાં ગેરકાયદે કબજો કરી અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરનાર ઇસમ સામે પાલિકા તંત્ર ફોજદારી રાહે ફરિયાદ નોંધાવશે કે કેમ તે જોવાનું રહ્યું.

જોકે હાલ અસરગ્રસ્તોને આશ્રય આપવા માટે પોલીસ તંત્રએ તાત્કાલિક અસરથી કોમ્યુનિટી હોલમાં પડેલી નીરણ અને પશુઓ માટેનું દ્યાસ દૂર કરાવી કોમ્યુનિટી હોલ ખાલી કરાવ્યો હતો.

(11:19 am IST)