Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

થાનમાં કુહાડો ઝીંકી યુવાનની હત્યા, તેના કાકા પર ફાયરીંગ

બાબુ પરમારનું ઘર કયાં છે? તેમ કહી નરેશ સહિત ત્રણ શખ્સોએ પ્રકાશ પરમાર (ઉ.૩૫)ને બહાર ખેંચી કુહાડાથી હુમલો કર્યો, તેને બચાવવા કાકા સુરેશ પરમાર (ઉ.૩૦) દોડતાં તેને પીઠમાં ગોળી ધરબી દેવાઇઃ હવામાં પણ ફાયરીંગઃ બંનેને રાજકોટ ખસેડાયા બાદ પ્રકાશનું મોત, સુરેશ સારવારમાં: બાબુ પરમાર સાથે કાઠી લોકોને જુનુ મનદુઃખ હતું, તેનું ઘર પ્રકાશે ન દેખાડતાં નરેશ કાઠી સહિત ત્રણ જણાએ રહેંસી નાંખ્યાનો કુટુંબીજનોનો આક્ષેપઃ પ્રકાશની હત્યાથી બે માસુમ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં સ્વજનોમાં શોકની કાલીમા

જેની હત્યા થઇ તે પ્રકાશ કાંતિભાઇ પરમાર (ઉ.૩૫)નો નિષ્પ્રાણ દેહ અને ફાયરીંગમાં ઘાયલ થયેલા તેના કાકા સુરેશભાઇ દેવજીભાઇ પરમાર (ઉ.૩૦) નીચેની તસ્વીરમાં તથા ઉપર મૃતકના ભાઇ, કુટુંબીજનો અને જેને હુમલાખોરો શોધવા આવ્યા હતાં તે બાબુભાઇ પરમાર (રાઉન્ડ કર્યુ છે તે) જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૩: થાનગઢના નવાગામ આંબેડકરનગરમાં રહેતાં મેઘવાળ યુવાનને રાત્રે ઘર પાસે હતો ત્યારે કાઠી શખ્સોએ માથામાં કૂહાડો ઝીંકી દેતાં અને તેના કાકા બચાવવા માટે દોડતાં તેની પીઠમાં ફાયરીંગ કરવામાં આવતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં ભત્રીજાનું મોત નિપજ્યું છે, જ્યારે કાકા સારવાર હેઠળ છે. કાઠી શખ્સો પોતાને જેની સાથે મનદુઃખ હતું એ દલિત યુવાનને શોધવા આવ્યા હતાં. તેનું ઘર હત્યાનો ભોગ બનનાર યુવાને ન બતાવતાં આ ઘટના બન્યાનું કુટુંબીજનો કહે છે. સુરેન્દ્રનગર અને થાન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢના નવાગામમાં રહેતો પ્રકાશભાઇ કાંતિભાઇ પરમાર (ઉ.૩૫) રાત્રે સાડા દસેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતાં અને ગાળો ભાંડી હતી. એ પછી તેને બહાર ખેંચી એક શખ્સે માથામાં કુહાડો ઝીંકી દીધો હતો. તેને બચાવવા માટે કાકા સુરેશભાઇ દેવજીભાઇ પરમાર (ઉ.૩૦) દોડી આવતાં તેના પર ફાયરીંગ કરાતાં પીઠમાં ઇજા થઇ હતી. દેકારો મચી જતાં અને લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. ઘાયલ કાકા-ભત્રીજાને થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે થાન પોલીસને જાણ કરી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રે પ્રકાશભાઇએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. સુરેન્દ્રનગર અને થાનથી પોલીસ અધિકારીઓએ દોડી આવી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

હત્યાનો ભોગ બનનાર પ્રકાશભાઇ બે ભાઇમાં મોટો હતો. પત્નિનું નામ દયાબેન છે. તે કારખાનામાં કામ કરતો હતો. સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રી છે.  જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત તેના કાકા સુરેશભાઇ પાંચ ભાઇમાં બીજા છે. તે પણ કારખાનામાં કામ કરે છે. તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. તેના પત્નિનું નામ ડાહીબને છે.

પ્રકાશભાઇના કુટુંબીજનોએ કહ્યું હતું કે પડોશમાં જ રહેતાં બાબુભાઇ રાજાભાઇ પરમારને અગાઉ કાઠી લોકો સાથે માથાકુટ થઇ હોઇ તેનો કેસ ચાલુ છે. આથી કાઠી લોકો બાબુભાઇને શોધવા આવ્યા હતાં અને ગાળાગાળી શરૂ કરી હતી. જેમાં પ્રકાશભાઇ ડેલીએ ઉભો હોઇ તેને ખેંચીને બાબુભાઇનું ઘર બતાવવા કહ્યું હતું. પણ પ્રકાશભાઇએ ના પાડતાં તના માથામાં કૂહાડો ઝીંકી દેવાયો હતો. કાકા સુરેશભાઇ બચાવવા આવતાં હવામાં બે ભડાકા કરાયા બાદ તેના પર એક ફાયરીંગ કરાયું હતું. હુમલો કરનારાઓમાં એક શખ્સ નરેશ કાઠી હતો, બાકીના બે અજાણ્યા હતાં.

હત્યાનો ભોગ બનનારના કુટુંબીજનોની ઉપરોકત વિગતોના આધારે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. જુના મનદુઃખમાં આ હત્યા થયાનું હાલ બહાર આવ્યું છે. થાનગઢ, નવાગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યાનું જાણવા મળે છે. (૧૪.૭)

(11:02 am IST)
  • કલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • રાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST