Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

જેતપુરના ખંડણી પ્રકરણમાં વધુ એક આરોપી પરબત મોડેદરાને ઝડપી લેતી રૂરલ એલસીબી

ખંડણી પ્રકરણમાં સમન્સ બાદ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને આજ સાંજ સુધીમાં હાજર ન થાય તો આગળની કાર્યવાહી કરાશે

રાજકોટ, તા. ૧૨ :. જેતપુરના ખંડણી પ્રકરણમાં કુતિયાણા પંથકના વધુ એક આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો. બીજી બાજુ આ પ્રકરણમાં સમન્સ બાદ ગઈકાલે હાજર ન થયેલ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા આજ સાંજ સુધીમાં હાજર ન થાય તો આગળની કાર્યવાહી કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી પડાવવા અંગે બે ગુન્હાઓની તપાસ રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચને સોંપાતા ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ ચાવડા તથા સ્ટાફે મુખ્ય સૂત્રધાર શૈલેષ વસંતરાય બાવાજી રહે. શિવમપાર્ક-જૂનાગઢ રોડ જેતપુર તેમજ તેના સાગ્રીતો અશોક કાંતી જોશી રહે. કુતિયાણા તથા રામદે જીવણભાઈ ગોરાણીયા રહે. સિદ્ધિ સોસાયટી-એરપોર્ટ પાસે પોરબંદરની ધરપકડ કરી ગુરૂવાર સુધી રીમાન્ડ પર લીધેલ છે અને આ ગુન્હામાં રામા ખુટી સહિતના શખ્સો હજુ નાસતા ફરે છે.

ગઈકાલે ખંડણી ઉઘરાવતી ટોળકીનો સાગ્રીત પરબત મોડેદરા રહે. મોડદર, તા. કુતિયાણા રાજકોટમાં આવ્યો હોવાની બાતમી મળતા રૂરલ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફે તેને દબોચી લીધો હતો. 

દરમિયાન પકડાયેલ ઉકત આરોપીઓએ વોન્ટેડ રામા ખુટી તથા તેના અન્ય સાગ્રીતો કુતીયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સાથે દેખાયા હોવાની કેફીયત આપતા રૂરલ એલસીબીએ ધારાસભ્ય કાંધલ જાડેજાને પૂછતાછ માટે પરમ દિવસે સમન્સ મોકલ્યુ હતું. આ સમન્સ બાદ પણ ગઈકાલે ધારાસભ્ય કાંધલ જાડેજા રૂરલ ક્રાઈમ બ્રાંચની ઓફિસે ફરકયા ન હતા. આજે સાંજ સુધીમાં ધારાસભ્ય કાંધલ જાડેજા હાજર નહિ થાય તો પોલીસ આગળની કાર્ય વાહી કરશે તેમ રૂરલ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પી.આઈ. ચાવડાએ જણાવ્યુ હતું.

(11:40 am IST)