Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

કેરીની સીઝન આ વખતે મોડી શરૂ થઇ અને વહેલી પુરી થઇ ગઇઃ કેસર કેરીનો સ્વાદ હવે ૮થી ૧૦ દિવસ માણવા મળશે

તાલાલાઃ આકરા ઉનાળામાં કેસર કેરીની મજા માણનાર લોકોને હવે ફળોના રાજા કેસર કેરી ૮થી ૧૦ દિવસ જ ખાવા મળશે. તાલાલા યાર્ડમાં કાલથી કેસર કેરીની હરરાજી બંધ થઇ જશે.

આ વર્ષે માત્ર ૪૦ દિવસ સ્વાદ રસિયાઓને કેસરનો સ્વાદ માણવા મળ્યો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તલાલાના જાહેર હરાજી માર્કેટમાં અઢી લાખ બોક્સ જેટલી કેસર કેરીની આવક ઓછી થઇ છે. સામાન્ય રીતે ગીરની કેરીની સિઝન ૫૭ દિવસ રહે છે, જે ઘટીને આ વર્ષે ૪૦ દિવસની થઇ છે, જેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગની અસર મનાય છે.

ગત વર્ષે ૧૦.૬૭ લાખ બોક્સની આવક માર્કેટયાર્ડમાં થઇ હતી. આ બોક્સ ૧૦ કિલો કેરીનાં હતાં, જેનો સરેરાશ હોલસેલ ભાવ રૂ. ૨૬૫ પ્રતિબોક્સ રહ્યો હતો. ચાલુ વર્ષે આ બોક્સની આવક ઘટીને ૮.૫૦ લાખ બોક્સની થઇ ગઇ છે.

ગઇ કાલ સુધી ૭૦૫૦ બોક્સ વેચાયાં હતાં, તેમાં સારી અને મોટી ગણાતી કેરીનું એક બોક્સ રૂ. ૫૬૦ અને નબળી કેરીનું વેચાણ રૂ. ૨૩૦માં બોક્સદીઠ થયું હતું, જેથી સરેરાશ ભાવ ગણીએ તો રૂ. ૩૫૦ રહ્યો છે.

આ વર્ષે કેરીની સિઝન વહેલી પૂરી થઇ ગઇ છે. આ વર્ષે પહેલી વાર કેરીની સિઝનની શરૂઆત અને સિઝન પૂરી થવા સુધી બોક્સદીઠ ભાવ રૂ. ૫૫૦થી ૭૦૦ની આસપાસ રહ્યો છે. આવી રીતે સિઝન દરમિયાન ભાવ જળવાઇ રહ્યો હોય તેવું પહેલી વાર બન્યું છે, જોકે સિઝનનો હોલસેલ સરેરાશ ભાવ પણ ૩૫૦ની આસપાસ રહ્યો છે.

આકરા ઉનાળા વચ્ચે કેરીની સિઝન શરૂ થવાની લોકો કાગડોળે રાહ જોતા હોય છે, પરંતુ ગીરની ફળોનો રાજા ગણાતી કેરીની સિઝન એક મહિનો મોડી શરૂ થઇ હતી. કેરીના પાકને આ વર્ષે વ્યાપક નુકસાન થયું હતું, જેના કારણે સિઝન પણ મોડી શરૂ થઇ અને વહેલી પૂરી થઇ ગઇ.

લોકોને અપેક્ષા હતી કે એપ્રિલથી મેમાં ભાવ ઘટી જશે, પરંતુ એ અપેક્ષા ઠગારી નીવડી હતી. હજુ પણ બજારમાં કેરીની અાવક ચાલુ રહેશે, પરંતુ બદામ, લંગડો, ગોલા વગેરે કેરી મળતી રહેશે.

સાઉથ અને ઉત્તરપ્રદેશમાંથી પણ કેરીની આવક ચાલુ રહેશે, પરંતુ સ્વાદ રસિયાઓને ગીરની કેરીનો સ્વાદ માણવા માટે હવે માત્ર ૮થી ૧૦ દિવસનો સમયગાળો રહેશે.

(6:34 pm IST)