Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ઉપલેટામાં સ્વૈચ્છીક લોકડાઉનનો ફાયદોઃ અગાઉ ૬ થી ૮ મૃતદેહ દરરોજ અંતિમવિધી માટે લવાતા ગઇકાલે ઍક પણ મૃત્યુ નહીં: ૩૦ મી સુધી લોકડાઉન લંબાવાયુ

ઉપલેટા: ગુજરાતના નાના શહેરો અને ગામડાઓ હવે સ્વૈચ્છિક લોકડાઉનનું મહત્વ સમજી ગયા છે, અને જાતે જ લોકડાઉન લંબાવી રહ્યા છે. ત્યારે ઉપલેટા શહેરમાં ફરી એકવાર લોકડાઉન લંબાવાયું છે. તારીખ 16 મે રવિવારથી તારીખ 30 મે રવિવાર સુધી 15 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લંબાવતું પાલિકાતંત્ર અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા જાહેર કરાયુઁ છે.

અગાઉ ઉપલેટામાં 9 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ તારીખ 2 મેથી 15 મે સુધી પંદર દિવસ અડધા દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ. પરંતુ તેમ છતા કોરોના મામલે પરિસ્થિતિ થાળે ન પડતા આજે સવારે લોકડાઉનની તારીખ લંબાવવામાં આવી છે.

લોકડાઉનના નિયમ મુજબ, શહેરમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રહેતા હતા. ત્યારબાદ બપોરે 2 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુ સિવાય લોકડાઉન રહેતું હતું. થાણીપીણીના ધંધાર્થીઓને સાંજે 6.00 થી 9.00 સુધી 3 કલાક છૂટછાટ આપવામાં આવી હતી. એ જ રીતે ફરીથી 15 દિવસ સુધી અડધા દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે.

જોકે, આ સ્વૈચ્છિક લોકડાઉનનો પોઝિટિવ ફાયદો જોવા  મળ્યો છે. કોરોનાના કેસમાં 45 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે જ સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. ઉપલેટાના સ્મશાનમાં અગાઉ 6 થી 8 જેટલા મૃતદેહો દરરોજ આવતા હતા. પરંતુ ગઈ કાલે એક પણ મૃતદેહ સ્મશાને આવ્યા ન હતા. જે બતાવે છે લોકડાઉનને કારણે ઉપલેટામાં કોરોનાના કેસ અને કોરોનાથી મોતના આંકડામાં રાહત મળી છે.

(4:46 pm IST)