Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વિપતીના સમયમાં ધૈર્ય ધારણ કરવુ ખૂબજ જરૂરીઃ પૂ. મોરારીબાપુ

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત 'માનસ બિનય પત્રિકા' ઓનલાઈન શ્રીરામકથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ, તા. ૧૩ :. 'વિપતીના સમયમાં ધૈર્ય ધારણ કરવુ ખૂબ જ જરૂરી છે' તેમ પૂ. મોરારીબાપુએ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત 'માનસ બિનય પત્રિકા' ઓનલાઈન શ્રીરામકથાના છઠ્ઠા દિવસે કહ્યુ હતું.

પૂ. મોરારીબાપુએ ગઈકાલે પાંચમાં દિવસે કહ્યુ કે, વાલ્મીકી કેવળ વિજ્ઞાન વિશારદ જ નહીં સંગીત વિશારદ પણ હતા, તેજ આવી જતુ હતું એવું કહેવામાં એ સમયે કે હું ફલાણાનો શિષ્ય છું. મુનિકુમારોએ કહ્યું કે અમારો સ્વર કોકિલનો છે. રામજી જિજ્ઞાસા કરે છે કે આ ગ્રંથ કોણે લખ્યો છે, એનું નામ શું છે ? ત્યારે કહે છે અમારા ગુરૂજીએ લખ્યો છે એનુ નામ વાલ્મીકિય રામાયણ છે અને કહે છે કે મહારાજાધિરાજ આમા આપની કથા છે. ૨૪ હજાર શ્લોક છે, તદુપરાંત ૧૦૦ ઉપાખ્યાન છે, ૫૦૦ સર્ગ છે. આથી જ તલગાજરડા એને શત પંચ ચોપાઈ કહે છે, કારણ કે દરેક શ્લોક ચોપાઈ છે અને હરેક ચોપાઈ શ્લોક છે, કારણ કે ચારૂ ચોપાઈ છે. છ કાંડ છે, બાદમાં ઉત્તરકાંડ ઉમેરાયો છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, એક જ વ્યકિત પાસે બળ, બુદ્ધિ, બધી તાકાત, બધી શકિત, જ્ઞાન, પૈસા, સુંદરતા બધુ જ આવે એને શાસ્ત્રો અશાસ્ત્રીય કહે છે. એ વહેંચાઈ જવુ જોઈએ. તેથી જ આપણે ત્યાં વર્ણાશ્રમ સમન્વય થયેલો છે જેથી બુદ્ધિ કોઈ એક વર્ગને, પૈસા કોઈ બીજા વર્ગને શકિત કોઈ બીજા વર્ગને, એ રીતે વહેંચાયા, ભગવાન રામને થયું કે આ કથા બધાને સંભળાવવા જેવી છે આથી અવધના બધા જ સન્નારી, સાહિત્યકારો, વેદાંતીઓ, મહાજનોને જેને વ્રત ન હોય એવા ત્યાગી-વૈરાગીઓને રાજ દરબારમાં બોલાવો. આજુબાજુના રાજા મહારાજાઓને, પંડિતો અને વિદ્વાનો, કવિઓને બોલાવો વીણા સાથે ગવાઈ રહેલી આ મુનિકુમારોની કથા વગર બધા અધુરા રહી જશો તેમ કહેવાયુ હતું.

(4:19 pm IST)