Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કચ્છના પાન્ધ્રો થર્મસ પાવરના કર્મચારીઓને અપાતુ સ્પે.એલાઉન્સ બંધ કરવાના નિર્ણયને યોગ્ય ઠરાવતી ઔદ્યોગિક કોર્ટ

પાંચ યુનિયનો દ્વારા માંગણી કરવામાં આવી હતી : મહત્વનો ચુકાદો

રાજકોટ, તા. ૧૩ : કચ્છના પાંન્ધ્રો થર્મલ પાવર સ્ટેશન દ્વારા કર્મચારીઓને આપવામાં આવતું સ્પે. એલાઉન્સ બંધ કરવાના નિર્ણયને રાજકોટ ઔદ્યોગિક અદાલતે યોગ્ય ઠરાવી ચાલુ રાખવાની પાંચ યુનિયનોની માગણી રદ કરી છે.

આ કેસની હકીકત એવી છે કે, કચ્છ પાંન્ધ્રોના ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કોર્પો. લી. લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન તંત્ર દ્વારા કર્મચારીઓને આપવામા આવતી સ્પે. ઈન્સેન્ટીવ સ્કીમ બંધ કરવાનો નિર્ણય લેવા સામે કંપની કર્મચારીઓના કાર્યરત અલગ અલગ પાંચ યુનિયન ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ, જી.ઈ.બી. એન્જિનિયર્સ એસોસિએશન, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, વિદ્યુત કામદાર સંઘ અને ગુજરાત વિદ્યુત શ્રમિક સંઘ દ્વારા રાજકોટ ઔદ્યોગિક અદાલત સમક્ષ પડકારેલ અને સંસ્થાનું ઈન્સેન્ટીવ ૨દ કરવાનું પગલું ગેરકાયદે હોવાનું જાહેર કરવા અદાલતમાં વિવાદ ઉપસ્થિત કર્યો હતો.

તેમાં ગુજરાત સ્ટેટ ઈલે. કોર્પોરેશન લી.  કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન તરફે તેમના એડવોકેટ અનિલ એસ. ગોગિયા દ્વારા લેખીત વાંધા જવાબ ૨જુ કરી એવી રજુઆત કરેલ કે, સંસ્થા દ્રારા તા. ૩૦–૧૨–૨૦૧૫ના રોજ સ્પે.ઈન્સ્ટેન્ટીવ સ્કીમ બંધ કરવાનો નિર્ણય કરેલ છે, તે યોગ્ય અને વ્યાજબી છે. સંસ્થા દ્વારા અગાઉ ૧૯૮૫માં સ્પે. ઈન્સેન્ટીવ સ્કીમ ચાલુ કરેલ હતી, આવા લાભ આપવાની શરૂઆત પ્રોજેકટના શરૂઆતના તબકકે તે વિસ્તારમાં રહેલ અગવડતાઓના કારણે ત્યાં કોઈ કર્મચારી કામ કરવા તૈયાર થતા ન હોવાના કારણે સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ, જે સ્પે. ઈન્સેન્ટીવ સ્કીમ ૩ દાયકા લાંબા સમય બાદ આજની સ્થિતિમાં ઘણો ફેરફાર થયેલ છે અને પ્રાથમિક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ, ટ્રાન્સપોર્ટેશન, પીવા તથા વાપરવાના પાણીની વ્યવસ્થા, દવાખાનું, અધ્યતન એમ્બ્યુલન્સ, અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની શાળાઓ તેમજ અન્ય તમામ બુનિયાદી સેવાઓ ઉપલબ્ધ થયેલ હોય અને વિસ્તારમાં સંપૂર્ણ સગવડતાઓ મળતી હોય તથા અન્ય પાવર સ્ટેશનોમાં આવી કોઈ સ્કીમ આપવામા આવતી ન હોય, પગારમાં સમાનતા લાવવા તેમજ સમાન કામ સમાન વેતનના ધોરણે તમામ પાવર સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને એક સરખું વેતન મળી રહે, જેથી તા. ૩૦–૧૨–૧૫ના પરિપત્રથી આવું સ્પે. ઈન્સેન્ટીવ બંધ ક૨વાનો નિર્ણય કરવામા આવેલ, જે નિર્ણય યોગ્ય અને વ્યાજબી છે.

બંને પક્ષોની દલીલો તેમજ કેસમાં પડેલ પુરાવાઓ વગેરે ધ્યાને લીધા બાદ રાજકોટ ઔદ્યોગિક ન્યાય પંચના ન્યાયધીશ જે.કે. પંડયાએ  સંસ્થાની રજુઆતો સાથે સહમત થઈ સ્પે. ઇન્ટેન્સીવ ચાલુ રાખવાની માંગણી રદ કરવાનો હુકમ કર્યો  છે.

આ કેસમાં કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન પાંન્ધો તરફે એસ.બી. ગોગિયા એસોસિએટસના એડવોકેટ અનિલ. એસ. ગોગિયા, પ્રકાશ. એસ.ગોગિયા તેમજ સીન્ધુબેન. એસ. ગોગિયા રોકાયા હતા.

(3:14 pm IST)