Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સમાજને હકારાત્મક સંદેશ આપતી ''ભણતર ના અજવાળાં''ફિલ્મ રાષ્ટ્રીયસ્તરે ઝળકતાં શિક્ષકોમાં ઉત્સાહ

નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં સ્થાન પામતી હળવદના માનસર ગામના આચાર્ય નિર્મિત શોર્ટ ફિલ્મ

( દીપક જાની દ્વારા)હળવદ,તા.૧૩ : મોરબી જિલ્લાની સરકારી શાળાના શિક્ષકોના સઘન પ્રયાસોથી અનેક બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં ભણતા થયા છે ત્યારે બાળકો માટે કંઈક અવનવું કરવાની પ્રેરણા સાથે હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સમાજને હકારાત્મક સંદેશ આપતી ભણતરના અજવાળા નામની શોર્ટ ફિલ્મનું નિર્માણ કરતા આ શોર્ટ ફિલ્મ નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં સ્થાન પામી છે.

હળવદ તાલુકાના માનસર પ્રાથમિક શાળાના આચાર્ય વિમલભાઈ પટેલ શોર્ટ ફિલ્મનું નિર્માણ કરે છે. સમાજને માર્ગદર્શન આપવા સત્ય હકિકત ઉપર આધારીત શોર્ટ ફિલ્મ દ્વારા સમાજમાં હકારાત્મક સંદેશો પહોંચાડે છે વિમલભાઈ પટેલ સાથે જયંતિભાઈ કાસોડિયા અને કૌશિક ચૌહાણ દ્વારા આ વર્ષે લોકડાઉન સમયમાં બનાવાયેલી શોર્ટ ફિલ્મ ૨૫માં ઓલ ઈન્ડિયા ચિલ્ડ્રન એજયુકેશન વિડીયો ફેસ્ટીવલમાં સ્થાન પામી છે. હાલ વર્ષ ૨૦૨૧ માં ''ભણતરના અજવાળાં'' ફિલ્મ નેશનલમાં એનસીઈઆરટી દિલ્હી દ્વારા આયોજીત નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત થશે.

 ભણતરના અજવાળાં ફિલ્મમા શાળાના આચાર્ય વિમલભાઈ તેમના મિત્ર જયંતિભાઈ કાસોડીયા અને વિદ્યાર્થી હરજીવન બાબરીયા, કરુણા તડવી અને કિંજલ રાઠવાએ અભિનય કરેલ છે,  કૌશિક ચૌહાણ દ્વારા ફિલ્મનુ શુટિંગ કરી ખૂબ સારી સેવા પૂરી પાડી સમાજમા શિક્ષણનું શું મહત્વ છે અને કન્યાઓને શિક્ષણથી રોકી રાખી ક્યારેક જાણે અજાણે શિક્ષણથી વંચિત રાખે છે તે અંગેની જાગૃતતા લાવવા બાળકોની શાળામાં નિયમિતતા વધે તેવા -યાસ કરવા ફિલ્મનું નિર્માણ કરેલ છે. ફિલ્મની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થતા આચાર્ય વિમલભાઈ પટેલે ફિલ્મ નિર્માણમાં સહયોગ આપનાર સૌ કોઈનો આભાર વ્યકત કર્યો છે.

(11:51 am IST)