Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સાવરકુંડલાના વિજપડીમાં ખેડૂત લાલજીભાઇ વાળા પર દિપડાનો હુમલોઃ રાજકોટમાં મોત

બાપ-દિકરાએ મગફળી ભેગી કરી, દિકરો ઘરેથી ટિફીન લેવા ગયો, પાછો આવ્યો ત્યાં બાપુજી લોહીલુહાણ મળ્યા : પિતા બેભાન થઇ ગયા હોઇ ઇજાઓ કઇ રીતે થઇ તે દિકરાને ખબર પડી નહોતીઃ સાવરકુંડલા હોસ્પિટલમાં તબિબે તપાસ કરતાં જનાવરના હુમલાના નિશાનો મળ્યાઃ રાજકોટ સિવિલમાં દમ તોડ્યો : આગલી રાતે દિપડો દેખાયાની લાલજીભાઇએ પુત્રને વાત કરી હતીઃ બીજા દિવસે બપોરે તેમના પર જ હુમલો

રાજકોટ તા. ૧૩: સાવરકુંડલાના વિજપડી ગામની સીમમાં ગઇકાલે ભરબપોરે વાડીમાં કામ કરી રહેલા પંચાવન વર્ષના ખેડૂત પર દિપડાએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સાથે આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ વિજપડી ગામે રહેતાં લાલજીભાઇ લાખાભાઇ વાળા (ઉ.વ.૫૫) ગઇકાલે બપોરે વાડીએ હતાં ત્યારે દિપડાએ હુમલો કરી માથા-છાતીમાં-વાંસામાં પંજા મારી દેતાં ગંભીર ઇજા થતાં સાવરકુંડલા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી.

લાલજીભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. તેમના પુત્ર વિજયભાઇએ જણાવ્યું હતું કે ગઇકાલે હું અને બાપુજી લાલજીભાઇ સવારથી વાડીએ મગફળી ભેગી કરતાં હતાં. સાડા અગિયારેક વાગ્યે એમણે મને ઘરે ટિફીન લેવા મોકલ્યો હતો. બારેક વાગ્યે હું પાછો વાડીએ આવ્યો ત્યારે ખેતર વચ્ચે બાપુજી લોહીલુહાણ પડ્યા હતાં. તેઓ કંઇ બોલી શકતાં ન હોઇ તુરત મેં ૧૦૮ બોલાવી હતી અને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. ત્યાં ડોકટરોએ તપાસ કરી ડ્રેસીંગ કરતાં માથા, વાંસા, છાતીએ દિપડાના પંજા-નખના નિશાનો જોવા મળતાં જનાવરે હુમલો કર્યાનું સ્પષ્ટ થયું હતું.

એ પછી હાલત ગંભીર જણાતાં અમરેલી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ લઇ આવ્યા હતાં. વિજયભાઇએ વધુમાં કહ્યું હતું કે મારા બાપુજી વાડીએ જ રોકાતાં હતાં. રાતે દિપડો આવ્યો હોવાનું અને ઢોર ભાંભરવા માંડ્યાની વાત તેમણે મને સવારે કરી હતી. આથી મેં તેમને કહેલુ કે હમણા વાડીના રૂમની બહાર ન સુતાં. એ પછી હું ઘરે ટિફીન લેવા ગયો હતો અને ભરબપોરે દિપડાએ હુમલો કરી દીધો હતો. પોલીસ અને જંગલખાતાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:01 am IST)