Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ટંકારા તાલુકામાં એપ્રિલ મહિનામાં ૫૦૪ લોકોના મોત સૌથી વધુ યુવાન મૃત્યુ પામ્યાનું પહેલીવાર જોયુ : ગામોગામ હિબકા ભરીને રોયું : એક પણ તંત્ર ટંકારા સામુ ન જોયું

ટંકારામાં સૌથી વધુ ૧૧૩ મોત, લજાઇમાં ૩૫, હડમતિયામાં ૨૪, સજનપરમા ૨૦ સહીત ગામે-ગામ સ્મશાનોમાં ચિંતાઓ સળગતી રહી બીજી બાજુ નાના રામપર,વાઘગઢ, દેવળીયા અને ખાખરામાં એક પણ મોત નહીં : સરકારી આંકડા મુજબ ટંકારામાં ૨૪૨ મોત

ટંકારા તા. ૧૩ : કોરોના મહામારીએ સમગ્ર રાજયમાં એપ્રિલ મહિનામાં હાહાકાર મચાવતા મોરબી જિલ્લામાં કંપારી છૂટી જાય તેવી સ્થિતિ વચ્ચે હોસ્પિટલ અને બેડ પણ ટૂંકા પડ્યા હતા ત્યારે આ એક મહિનામાં ટંકારા તાલુકામાં ૫૦૪ લોકોએ જીવ ગુમાવ્યાનું બહાર આવ્યું છે જો કે સરકારી આંકડા મુજબ એપ્રિલ માસમાં ૨૪૨ મોત નિપજયા છે, સારી બાબત એ છે કે ટંકારા તાલુકાના ચાર ગામોમાં આ મહામારી વચ્ચે એક પણ મૃત્યુ નોંધાયું નથી.

ટંકારા તાલુકામાં કુલ ૪૫ ગામોનો સમાવેશ થાય છે સામાન્ય પરિસ્થિતિમાં સમગ્ર તાલુકામાં દર મહિને ૫૦દ્મક ૫૫ જેટલા મૃત્યુ થતા હતા પરંતુ એપ્રિલ મહિનામાં કોરોના વાયરસની બીજી તીવ્ર લહેરે તરખાટ મચાવતા ગામો ગામ માંદગીના ખાટલા જોવા મળ્યા હતા આ એક જ માસમાં ૨૪૨ લોકોના મોત થયા હોવાનું સરકારી આંકડામાં જાહેર કરાયું છે, બીજી તરફ જમીની હકીકત ચકાસવા તમામ ૪૫ ગામના સરપંચ અને જાગૃત નાગરિકો પાસેથી માહિતી મેળવાતા અન્ય શહેરોની હોસ્પિટલમાં દાખલ થયેલા અને ત્યાં જ મોતને ભેટનાર લોકોનો આંકડો સરકારી આંકડામાં સમાવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકામાં કુલ ૫૦૪ લોકો અન્ય બિમારી અને કોરોનાના ખપ્પરમાં હોમાઈ જતા ગામે-ગામ સ્મશાનમા આગ ઉઠતી રહી હતી.

અમારા ટંકારા તાલુકાના પ્રતિનિધિ જયેશભાઇ ભટાસણાએ તાલુકાના તમામ ૪૫ ગામના અગ્રણીઓ અને સરપંચ પાસેથી મેળવવામાં આવેલી હકીકત મુજબ એપ્રિલ માસમાં ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૧૩ મોત ટંકારામાં થયા છે, એ જ રીતે લજાઇમાં ૩૫, હડમતિયામાં ૨૪, સજનપરમા ૨૦, નેસડા (ખા)૧૫, ધુનડા (ખા)૧૫, લખધીરગઢમાં ૧૮,નાના ખીજડિયામાં ૧૨,મોટા ખીજડિયામાં ૧૩, મિતાણામાં ૧૪, વીરવાવમાં ૧૧, સખપરમા ૧૧, અમરાપર ૧૦ ટોળ ૧૪ વિરપર ૮ નશિતપર ૧૨ મહેન્દ્રપુર ૩ ઉમિયાનગર ૪ ગજડી ૬ મેધપર ઝાલા ૫ રાજાવડ ૨ ધ્રુવનગર ૧૦ હરબટીયાળી ૭ હરીપર ૫ ભુતકોટડા ૨ વાછકપર ૬ છતર ૯ હમિરપર ૯ ધ્રોલિયા ૪ ગણેશપર ૨ નેકનામ ૭ સખપર ૧૧ રોહીશાળા ૮ જોધપર ઝાલા ૩ બંગાવડી ૯ ઓટાળા ૫ નેસડા સુરજી ૧૦ સાવડી ૩ સરાયા ૧ હિરાપર ૭ જબલપુર ૧૦ કલ્યાણપર ૫ જીવાપરમાં ૧૭ના મોત થયા છે.

જો કે ટંકારા તાલુકાના નાના રામપર, વાઘગઢ,દેવળીયા અને ખાખરા ગામમાં કોરોનાના કહેર વચ્ચે પણ એક પણ મોત નહી નીપજયું હોવાનું સૂત્રો અને સરકારી આંકડા જણાવી રહ્યા છે.

(11:56 am IST)