Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કચ્છમાં કોરોનાના સરકારી આંકડાઓનો મેળ પડતો નથી : દર્દીઓ વધ્યા તો બેડ ઘટવાના બદલે વધ્યા : ૧૩૫ દર્દીઓનો હિસાબ નથી

વધુ ૪ મોત, નવા ૧૮૫ કેસ : જો કે આંકડાઓની માયાજાળને કારણે રેમડેસીવીર ઇન્જે., ઓકિસજન, વેન્ટિલેટરની મુશ્કેલી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ : કચ્છમાં કોરોનાએ વધુ ૪ માનવ જિંદગીનો ભોગ લીધો છે. જયારે નવા ૧૭૫ કેસ સાથે ૩૫૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે, કોરોનાની આ મહામારીમાં કચ્છના શાસક પક્ષના પ્રજાકીય પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર પ્રજાની અપેક્ષામાં ઊણા ઉતરી રહ્યા છે. હા, સરકાર સમક્ષ સારૃં લગાડવા માટે કાગળ ઉપર આંકડાઓનો ખેલ રચાય છે. પરંતુ આંકડાઓની આ માયજાળમાં ખુદ તંત્ર જ અટવાયું છે.

કચ્છમાં તંત્રએ આપેલા આંકડાઓ જોઈએ તો ૨/૫ થી ૧૧/૫ એમ દસ દિવસમાં ૧૮૮૨ નવા દર્દીઓ દાખલ દર્શાવાયા છે. તેની સામે ૮૪૬ ને રજા અપાઈ છે. એટલે નવા દર્દીઓ ૧૦૩૬ પથારીઓ ઘટે. પણ, તેને બદલે તંત્ર આંકડાના ખેલમાં છે. ૧૧ મે ની વાત કરીએ તો ૧૮૧ નવા દાખલ કેસ સામે ૧૦૩ સાજા થયા. આ દિવસે ૩૪૮૬ દર્દીઓ સારવાર હેઠળ દર્શાવાયા અને ખાલી બેડ ૪૧૭૭. હવે જો ૪૧૭૭ કુલ બેડ માંથી ૩૪૮૬ દર્દીઓ સારવાર લેતા હોય તો ખાલી બેડ રહે માત્ર ૬૯૧. પણ??? ૧૧ મે ના ખાલી બેડ બતાવાયા ૧૬૫૧ !!!

મોતનો પણ મલાજો ભૂલીને આવી જ રમત મોત ના આંકડામાં થઈ રહી છે. અત્યાર સુધીમાં ૧૦૩૯૬ કુલ દર્દીઓ દર્શાવાયા છે. જયારે ૬૭૨૯ સાજા થયા તે આ કુલ આંકડામાંથી બાદ કરીએ તો ૩૬૬૭ દર્દીઓ રહે છે. જેમાંથી ૩૫૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે, એ બાદ કરીએ તો ૧૧૦ દર્દી ઘટે. હવે, મોતનો આંકડો ૨૪૫ બતાવાય છે. તો, સાચો આંકડો કયો? ૧૧૦ કે ૨૪૫? સરકારી ચોપડે જ ૧૩૫ નો હિસાબ નથી. જયારે વાસ્તવિક મૃત્યુ આંક તો વધુ હોય એ ચર્ચા વ્યાપક છે.

(11:02 am IST)