Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કચ્છના ખોબા જેવડા ખારડીયા ગામે લોકજાગૃતિ થકી કોરોનાને 'નો એન્ટ્રી' : એક પણ કેસ નહીં

કોરોનાના નિયમનો ઉલાળ્યો કરનાર લોકો માટે આદર્શ દાખલો : અન્ય ગામો તેમજ સોસાયટીઓ પણ જો આ રીતે જાગૃત થાય તો કોરોનાનું જોખમ ટળે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ : ગામડું ધારે એ કરી બતાવે એવા ખંત અને ખુમારી ભર્યા છે ગામડાના લોકોમાં!! જયારે જાગૃતિ બતાવવાનો સમય આવે ત્યારે પણ ગામડું અને ગામડાંના લોકો પાછળ નથી રહેતા એવું સાર્થક કરી બતાવ્યું છે કચ્છના નાનકડા એવા ખારડીયા ગામે. નખત્રાણા તાલુકાના ખોબા જેવડા ખારડીયામાં જનજાગૃતિ અને ભાગીદારી તેમજ ગ્રામ પંચાયત ની તકેદારી ને પગલે કોરોના પ્રવેશી શકયો નથી.

નખત્રાણા તાલુકા નું ૯૦૦ની વસ્તી ધરાવતું નાનકડું ગામ કે જયાં લોકોની જાગૃતિ અને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવતી તકેદારીના પગલે કોરોનાનો એક પણ કેસ ગામમાં આવ્યો નથી. ગામમાં લોકો સ્વૈચ્છિક રીતે જ સમજીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. સરપંચ તેમજ ગ્રામ પંચાયત દ્વારા લોકોને અવારનવાર માસ્કનું વિતરણ કરવામાં આવે છે અને લોકો માસ્ક પહેરીને જ બહાર નીકળે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગામના ઘર-ઘર તેમજ જાહેર જગ્યાઓને સેનેટાઇઝ કરવામાં આવે છે. ઉપરાંત ફેરિયાઓને પણ કોરોનાની તમામ ગાઈડલાઈનનું કડકાઈથી ગ્રામ પંચાયત દ્વારા પાલન કરાવવામાં આવે છે.ગામના લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તેનું પણ ગ્રામ પંચાયત દ્વારા ખાસ ધ્યાન રાખતા આરોગ્ય બાબતે પણ લોકોની ખાસ સંભાળ રાખવામાં આવે છે.

નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહકારથી લોકોના આરોગ્ય સંબંધી તમામ પ્રશ્નોનું ગામ લેવલે જ સરળતાથી નિરાકરણ કરવામાં આવે છે જેથી લોકોનું બહાર નીકળવાનું પ્રમાણ નહિવત કરી શકાય.અત્યારે યુવાનોનું રસીકરણ શરૂ છે ત્યાં જેમને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતા ન ફાવતું હોય તેમને યુવા સરપંચ હીરજી જાડેજા દ્વારા માહિતી પુરી પાડવામાં આવે છે અને મદદ પણ કરવામાં આવે છે. કોરોના સામે જાગૃતિ રાખીએ તો આ મહમારીથી બચી શકાય છે, એ ખારડીયા ગામ પાસેથી શીખીને જો, આજ રીતે અન્ય ગામો તેમ જ શહેરોની સોસાયટીઓ જાગૃત બને તો ચોક્કસ કોરોનાથી બચી શકાય. બસ, જરૂરત છે, આપણાં સૌ ના દ્રઢ સંકલ્પ અને સહકારની.

(11:47 am IST)