Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ભુજમાં લોકડાઉન લંબાવતા ફેરિયાઓમાં રોષ :મુંડન કરાવી અનોખો વિરોધ નોંધાવ્યો

અધકચરા લોકડાઉનથી ધંધા બંધ રહેતા નાના વેપારીઓ આર્થિક ભીંસમાં મુકાયા છે

ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને કોરોનાથી લોકો મરી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને સરકારે મીની લોકડાઉન લગાવ્યું છે. સરકારે ભુજ શહેરમાં રાત્રી કરફ્યૂ અને લોકડાઉન એક સપ્તાહ સુધી લંબાવી દીધું છે. જેના કારણે, વેપારમાં મુશ્કેલી પડતા શહેરના ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો. ભુજમાં લોકડાઉનના કારણે ફેરિયા, ખાણીપીણી ધંધાર્થીઓનો ધંધો મરણપથારીએ પહોંચી ગયો છે. સરકારના અધકચરા લોકડાઉનથી ધંધા બંધ રહેતા નાના વેપારીઓ આર્થિક ભીંસમાં મુકાયા છે. અગાઉ ફેરિયાઓએ વિરોધ આંદોલનો કર્યા હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો. સરકારમાં રજૂઆતો છતાં દાદ ન મળતા ઉલટાનું સપ્તાહનું લોકડાઉન લંબાવી દેવાયું છે. ત્યારે, સરકારની નીતિ સામે ફેરિયાઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

ફેરિયા વેપારી એસોસિએશનના અગ્રણીએ જણાવ્યું હતું કે સરકારને કોરોનાની ચેઇન તોડવામાં મધ્યમ વર્ગ પર બોજ લગાવે છે. આર્થિક પરિસ્થિતિનું ધ્યાન રાખીને સરકારે સહાય કરવી જોઇએ ,નહિતર લોકો આર્થિક સંકડામણના લીધે આત્મહત્યા કરી લેશે. જેના લીધે મુંડન કરીને વિરોધ કરી રહ્યા છે.

(9:05 pm IST)