Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હીરા ઉદ્યોગઃ ભાવનગર અને અમરેલી હવે મિની હબ બનશે

આપત્તિને અવસરમાં પલ્ટી કારીગરો વતનમાં જ કરશે હીરાનું કામ

અમદાવાદ, તા.૧૩: ડાયમન્ડ હબ ગણાતા સુરત શહેર અને જિલ્લામાંથી કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ધંધા રોજગાર બંધ થાય છે. સુરતથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેકાર બનતાં વતન પાછા આવી ગયા છે. હવે કપરા દિવસો જોઇ ચૂકેલા રત્નકલાકારો વતનથી ફરી ડાયમન્ડ નગરી સુરત પાછા ફરવા તૈયાર નથી ત્યારે હવેના સમયમાં અમદાવાદ, ભાવનગર અને અમરેલીમાં જ હીરા ઉદ્યોગને ડેવલપ કરવામાં આવશે. જિલ્લાદીઠ અંદાજે દોઢથી બે લાખ રત્નકલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર અને અમદાવાદ પરત ફર્યા છે. હવે આ જિલ્લા મિની ડાયમન્ડ હબ અને તેના માટે પ્રયત્ન સ્થાનિક કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે.

જેના માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતની સુવિધા વધારવા માટે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. આ રત્નકલાકારોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તે માટે ભાવનગર ડાયમન્ડ એસોસીએશનના પ્રમુખ છગનભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે મિની ડાયમન્ડ સીટી બનાવી શકાય છે. થોડું ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવામાં આવે તો તકલીફ ઓછી પડે. કેટલાક રત્નકલાકારોના મતે વધુ આવક મેળવવા તેઓ સુરત શિફટ થયા હતા, જેથી તેમના ખેતીના ધંધા પડી ભાંગ્યા હતા. હવે વતન સુરતના પ્રમાણમાં સસ્તું લાગે છે. આવકના પ્રમાણમાં ખર્ચ ઓછો છે. સલામતી છે અને વધારે પડતી સંકળાશથી બેસવાના કારણે કોરોનાનો ભય રહે છે, જયારે વતનમાં થોડા દૂર ગ્રામ્ય વિસ્તારમાં નજીકમાં જવાથી જગ્યા પણ મોટી હોવાથી પાસે-પાસે બેસવું પડશે નહિ. ખેતીની આવક પણ મળશે, પરંતુ વતનથી દૂર કમાવા માટે હવે બહાર જવું નથી.

(3:45 pm IST)