Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રસ્તા પર સુવરને બચાવવા જતા

દ્વારકાના શિવરાજપુર નજીક એકટીવા પર સવાર ફઈ-ભત્રીજો કૂવામાં પડયાઃ ૬૪ વર્ષના વૃદ્ધા ફઈનું કૂવામા પાણીમાં ડૂબી જતા મોત

 ખંભાળિયા, તા. ૧૩ :. દ્વારકાના શિવરાજપુર નજીક વિચીત્ર અકસ્માત થતા પ્રૌઢાનું મોત નિપજ્યુ છે.

પ્રાપ્ત વિગત મુજબ શિવરાજપુર વાડી વિસ્તારમાં રહેતા નાથાભા ભગતભા સુમણીયા તથા તેમના ફઈ ધાળીબેન ભીખાભા સુમણીયા બન્ને ફઈ ભત્રીજો એકટીવા લઈ શિવરાજપુરથી ચીજવસ્તુઓની ખરીદી કરી ઘરે જતા હતા ત્યારે ઘરથી થોડે દૂર એકટીવા આડે સુવર ઉતરતા ચાલક નાથાભા ભગતભા સુમણીયાએ કાબુ ગુમાવતા બન્ને ફંગોળાઈ જઈ રોડની સાઈડમાં આવેલા ખુલ્લા કૂવામાં પડતા ધાળીબેન ભીખાભા સુમણીયા (ઉ.વ. ૬૪)ના પ્રૌઢાને ગંભીર ઈજા થવાની સાથે પાણીમાં ડૂબી જતા તેમનુ મોત નિપજ્યુ હતુ, જ્યારે નાથાભા ભગતભા સુમણીયા (ઉ.વ.૪૪)ને પણ ઈજા થવા પામી હતી. અકસ્માતે જે કૂવામાં પડયા હતા તે કુવો ઘરથી થોડા અંતરે હોવાથી પરિવારજનો જોઈ જતા તાત્કાલીક દોડી આવી ૧૦૮ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બન્નેને દોરડા મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા.

બનાવ અંગે પોલીસે ભગતભા ડુંગરભા સુમણીયાની ફરીયાદના આધારે ચાલક નાથાભા સુમણીયા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ દ્વારકા પીઆઈ વી.વી. વાગડીયા ચલાવી રહ્યા છે.

દ્વારકામાં બરફના ધંધા પ્રશ્ને પાઈપ વડે હુમલો

દ્વારકાના રૂપેણબંદરમા બરફનો ધંધો કરવા બાબતે બોલાચાલી કરી પાઈપ વડે હુમલો કરવામાં આવતા બે વ્યકિતએ ઈજા થવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વરવાળા ગામે રહેતા અને રૂપેણબંદર ખાતે બરફની દુકાન ધરાવતા ગફારભાઈ જુમાભાઈ મુનેરા (ઉ.વ. ૪૫) રૂપેણબંદરમા પોતાની બરફની દુકાને હતા ત્યારે ઈકબાલ દાઉદ મુનેરા, બોદુ આદમ મકવાણા રહે. બન્ને વરવાળાવાળાઓ મોટર સાયકલમા આવી ફરીયાદીને કહેલ કે બરફનો ધંધો અમારો હતો તું શું કામ કરે છે આ બાબતે ઝઘડો કરી લોખંડના પાઈપ વડે માર મારતા આધેડને સારવાર માટે ખસેડાતા પોલીસે બન્ને શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

(1:18 pm IST)