Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોનાની મહામારીમાં કોઇ કાળે માનવતાનો પાલવ છોડે નહિ એ અત્યંત જરૂરીઃ ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા. ૧૩: અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગરની સ્થિતિ ગંભીર છે અને હવે જામનગરમાં પણ કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે આ સમગ્ર સ્થિતિને ઘ્યાનમાં રાખીને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અપીલ કરી છે કે કોરોનાની મહામારીને નાથવા એક તરફ આરોગ્ય તંત્ર તરફથી થઇ રહેલા પ્રયાસોમાં લોકો મદદપ થાય અને બીજી બાજુ દરેક ધર્મના લોકો એ કોઇપણ સંપ્રદાયના હોય ઇશ્વર પાસે કોરોનાના દર્દીઓ માટે પ્રાર્થના કરે અને ખાસ કરીને આ પ્રતિકુળ સંજોગોમાં કોઇ કાળે માનવતાનો પાલવ છોડે નહીં એ અત્યંત જરૂરી છે.

આ મુસીબતનો સમય છે, આપણે એવા સંકટમાં છીએ કે જેનો મુકાબલો કરવો મુશ્કેલ છે પરંતુ અશકય નથી, કોરોના એવો છૃપો દુશ્મન છે જે કયારે કોને સાણસામાં લઇ લે તેની કોઇને ખબર હોતી નથી, અત્યાર સુધી દેશમાં ગુજરાતમાં અને આપણા જામનગર તથા દેવભૂમિ દ્વારકા એટલે કે હાલારમાં જેટલા દર્દીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે એ સ્વાભાવીક રીતે ચેપનો ભોગ બન્યા છે અને વાસ્તવમાં આ બધા દર્દીઓ માટે સંવેદના દાખવવાની અતી જરૂરીયાત છે.

આ એવો પ્રતિકુળ સમય છે કે એક તરફ તકેદારી રાખવાની છે, સંક્રમણ વકરે નહીં તેનો ખ્યાલ રાખવાનો છે અને સાથે સાથે જે વ્યકેતઓ કોરોના પોઝીટીવનો ભોગ બની રહયા છે એમના પરિવારજનો સાથે તો અત્યંત માનવતાભર્યો વહેવારની જરૂરીયાત છે, એવા લોકોને મોબાઇલ મારફત, ફોન મારફત દિલાસો આપીને એમની હિમત વધારવી જોઇએ અને એમના ઘરમાં કોરોનાનો કેસ બન્યો હોય તો તેઓ એકલા નથી બધા એમની સાથે છે એવી સાંત્વના આપવી જોઇએ

 કોરોના પોઝીટીવના દેશના, ગુજરાતના અને આપણાં હાલારના દદીઓ માટે પ્રાર્થના કરો કે ઇશ્વર ઝડપથી એ લોકોને સાજા કરી દે અને સાથે સાથે એવી પણ પ્રાર્થના કરો કે માત્ર આપણાં દેશમાં જ નહીં આખી દુનીયામાંથી કોરોના નામની આ મહામારી નેસ્ત નાબુદ થઇ જાય.

 આપણે એકબીજાનો સહીયારો બનીને, એકબીજાને મદદ કરીને, એકબીજા પ્રત્યે સંવેદના રાખીને આગળ વધશું તો સો ટકા એક દિવસ આપણી જીત થશે, માનવતાની જીત થશે, માટે ફરીને હું અપીલ કરૂ છું કે દરેક વ્યકિત દેશના અને હાલારના કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓ માટે પ્રાર્થના કરે અને ખાસ કરીને જે કોરોના  પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યા છે એ વ્યકિતના પરિવારો પ્રત્યે સંવેદના રાખે, માનવતા દાખવે તેમ અંતમાં ધર્મેન્દ્રસિંહ  એમ. જાડેજા  એ જણાવ્યુ છે.

(1:12 pm IST)