Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉન દરમિયાન ધ્રાંગધ્રામાં સરકારી કર્મચારી ઉપર હુમલો કરનાર ૩ શખ્સોને પાસામાં ધકેલાયા

વઢવાણ, તા.૧૩: સંદીપ સિંઘ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા સમગ્ર જીલ્લામાં લોકડાઉનની અમલવારી કરાવવા અંગે તથા બહારના જીલ્લામાંથી કોઇ વ્યકિત જીલ્લામાં પ્રવેશે નહી તે માટે જીલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટો ઉપર ચેકપોષ્ટ ઉભી કરી, તેમજ ટાઉન વિસ્તારમાં આમ પબ્લીકની બિનજરૂરી અવર જવર રોકવા સારૂ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ.

દરમ્યાન ધ્રાંગધ્રા રાજકમલ ચોક ખાતે બંદોબસ્ત રોકાયેલ પોલીસ કર્મચારીઓ સાથે આરોપી જયદિપ સોમાભાઇ વાણીયા રહે.ધ્રાંગધ્રા વાળો મોઢે માસ્ક પહેર્યા વગર પોતાનુ મો.સા.લઇને નીકળતા પોલીસ દ્વારા તેની રોકી માસ્ક બાબતે પુછતા પોતે એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાના પિતા આરોપી સોમાભાઇ મોતીભાઇ વાણીયા તથા ભાઇ ગૌતમ સોમાભાઇ વાણીયાને બોલાવતા ત્રણેય આરોપીઓએ સાથે મળી ફરજ પરના પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી તથા ઝપાઝપી કરી, પો.સ.ઇ ઉપર તિક્ષ્ણ ધારવાળી બ્લેડથી હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી ગુન્હો કરેલ હોય. મજકુર ત્રણેય ઇસમો વિરૂધ્ધ ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. સ્ટેશનમાં ગુન્હો રજી.કરવામાં આવેલ.

આ બનાવ બાદ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા ઉપરોકત ત્રણેય આરોપી વિરૂધ્ધ પાસાની દરખાસ્ત કરી વોરંટ ઇસ્યુ કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ માંગણી કરેલ, ત્યારબાદ જીલ્લા મેજીસ્ટ્રેટ દરખાસ્ત મંજુર કરી પાસાનું વોરંટ ઇસ્યુ કરતા ધ્રાંગધ્રા ડીવીઝનના બીએમ દેસાઇ (પો.ઇન્સ) એ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં મોકલી આપેલ છે.(

(1:08 pm IST)