Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પોરબંદરના કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઇ બળીદુનનો અમદાવાદ સિવીલ હોસ્પીટલમાંથી ૫ દિવસે મૃતદેહ મળ્યો

સારવાર માટે ગયા બાદ પત્તો ન મળતા અર્જુનભાઈ મોઢવાડીયાની રજૂઆત બાદ તંત્ર દોડતુ થયું: કેન્સરની સારવાર માટે ગયા બાદ કોરોનાના ટેસ્ટ કરાવવા પડશે તેમ કહીને પરિવારજનોને હોસ્પીટલ તંત્રએ જુદા જુદા વોર્ડમાં દોડાવ્યાનો આક્ષેપ

પોરબંદર તા.૧૩ :. શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રવિણભાઇ બળીદુન અમદાવાદમાં કેન્સરની બીમારીની સારવાર માટે ગયા બાદ હોસ્પિટલમાં ૮ દિવસની સારવાર બાદ તેઓનો પતો નહી મળતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા ત્યાર બાદ તેમનો મૃતદેહ મળતા પરિવારજનોએ હોસ્પીટલ તંત્ર સામે આક્ષેપો કર્યા છે.

શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રવિણભાઇ બળીદુન કેન્સરની બીમારીથી પીડાતા હોય અમદાવાદ સારવાર માટે ગયેલ અને આઠ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાંથી તેનો કોઇ પતો નહી મળતો હોવાનુંું તેમના પોરબંદર સ્થિત પરિવારજનોએ જણાવ્યુ હતુ.

અમદાવાદમાં તા. ૮ના રોજ પ્રવીણભાઈ બળીદુનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી કોરોના ટેસ્ટ કરાવવો પડશે તેમ કહીને તેમને બીજા વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. જે અંગે પરિવારજનોએ પૂછતા અન્ય વોર્ડમાં ખસેડેલ છે તેમ કહ્યુ હતુ. જેથી તેમના પુત્ર અને પરિવારજનોને સંતોષ ન મળતા આ અંગે અર્જુનભાઈ મોઢવાડીયાને રજૂઆત કરી હતી.

જેથી હોસ્પીટલ તંત્ર દોડતુ થયુ હતુ અને પાંચ દિવસ બાદ તેમનો મૃતદેહ સ્ટોર રૂમમાંથી મળી આવ્યો હતો. હોસ્પીટલ તંત્રએ માહિતી છૂપાવતા આ અંગે મૃતકના પરિવારજનો માનવ અધિકાર પંચ અને કોર્ટમાં અપીલ કરશે તેમ જાણવા મળ્યુ છે.

(3:42 pm IST)