Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પરપ્રાંતિય શ્રમિકોને વતન પહોંચાડવા ત્રીજી ટ્રેન રવાના

થાનથી ઓરિસ્સાના બાલાસોર જવા ૧૩૦૦ થી વધુ પરપ્રાંતિય શ્રમિકો રવાના

સુરેન્દ્રનગર,તા.૧૩: કોરોનાના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન દરમિયાન રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિય શ્રમિકોને ટ્રેન મારફતે તેમના વતન પહોંચાડવા રાજય સરકાર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે, જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ત્રીજી ટ્રેન દ્વારા પરપ્રાંતિયોને તેમના પરિવાર સાથે તેમના વતન મોકલવામાં આવ્યા છે. જે અંતર્ગત તા.૧૧ના રોજજિલ્લાના થાનગઢ ખાતેથી  ૧૩૦૦ થી  વધુ શ્રમિકો તથા તેમના બાળકોને લઈ ઓરિસ્સાના બાલાસોર સુધી સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી.

અન્ય પ્રાંતમાંથી રોજગારી અર્થે આવેલા આ શ્રમિક પરિવારોને તેમના વતન મોકલતા પહેલા તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉનના આ સમયમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં રહેલા આ પરપ્રાંતિય શ્રમિકોને થાનગઢ રેલવે સ્ટેશન શ્રમિકોને લાવવા માટે બસો મૂકવામાં આવી હતી.

આ બસો મારફત થાનગઢ  રેલવે સ્ટેશન ખાતે પહોંચેલા તમામ શ્રમિકોના હાથને સેનેટાઇઝ દ્વારા સાફ કરાવી માસ્ક આપીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા સૂચના સાથે તમામ શ્રમિક પરિવારો માટે ફુડ પેકેટ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ સુરેન્દ્રનગરથી પ્રથમ  ટ્રેન દ્વારા  તા. ૯ મી મે ના રોજ ૧૦૮૪ થી વધુ શ્રમિકોને ઉત્ત્।ર પ્રદેશના લખનૌ સુધી તેમજ તા. ૧૦ મી મે ના રોજ બીજી ટ્રેન દ્વારા ૧૨૫૫ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને ઉત્ત્।ર પ્રદેશના કાસગંજ સુધી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જયારે  તા. ૧૧ મી મે ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ થી ૧૩૦૦ થી વધુ શ્રમિકો તથા તેમના બાળકોને ઓરીસ્સાના બાલાસોર સુધી જવા માટે કોઈ જ જાતની તકલીફ ન પડે તે માટેની ભોજન – પાણી સહિતની જરૂરી તમામ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરી તેમને ટ્રેન દ્વારા મોકલવામાં આવ્યા હતા.

આ પ્રસંગે થાનગઢ મામલતદારશ્રી તેમજ આરોગ્ય અને પોલીસ વિભાગના અધિકારી -  કર્મચારીશ્રીઓ  ઉપસ્થિત રહયાં હતા.

(11:47 am IST)