Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પ્રદુષણ મુદ્દે એસો.ના સભ્યોમાં એકમતી ન જળવાતા

જેતપુર ડાઇંગ & પ્રિન્ટીંગ એશો.ના હોદેદારોના રાજીનામા બાદ તમામ કારોબારી સભ્યોએ પણ રાજીનામા આપ્યા !!

વર્ષો જુની સૌરાષ્ટ્રની ઔદ્યોગિક ધરા હાલ બની નોધારી!! ઉદ્યોગના ભાવિ સામે પ્રશ્નાર્થ

 જેતપુર તા. ૧૩: શહેરની ધોળી નસ સમા સાડી ઉદ્યોગની સંસ્થા ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોશીએશન વર્ષોથી કાર્યરત સાડી ઉદ્યોગના કારણે જેતપુરને એક સમયમાં મીની દુબઇ કહેવાતું આ સંસ્થામાં હોદેદારો તેમજ કારોબારી સભ્યો સાથે મળી ઉદ્યોગની સાથે સાથે શહેરના પ્રશ્નોમાં પણ પુરતો સહકાર આપી હંમેશા સરમોર રહેલાં સાડી ઉદ્યોગથી શહેરને ફાયદાની સાથે પ્રદુષણનો પણ મોટો હરહંમેશ રહ્યો છે. વખતો વખત તેનું નિરાકરણ લાવવું સરકાર જે ગાઇડ લાઇન સાથે તે મુજબ ફેરફારો કરવા અને તમામને ન્યાય આપવા પ્રમુખ સતત ચિંતીત રહેતા છેલ્લા ઘણા સમયથી રાજુભાઇ પટેલે ધુરા સંભાળ્યા બાદ યુવાન તરવરીયા પ્રમુખ તરીકે ભાવીકભાઇ વૈશ્નવે સર્વાનુમતે સતા સંભાળેલ.

પરંતુ અમુક કારખાનદારો જાણે કાયદો જાણભેજ ન હોય અથવા તે તોડવાનું નકિક કરેલ હોય તેમ સહકાર ન આપી પ્રદુષણ ફેલાવતા જ રહેતા હાલ એકતરફ કોરોનાના કારણે ૪પ દિવસ સાડી ઉદ્યોગ બંધ રહેલ જેથી ઉદ્યોગપતિઓ તેમજ કારીગરોની પરિસ્થિતિ કફોડી બની હતી. જેથી કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજુભાઇ પટેલ, જેન્તીભાઇ રામોલીયા, ભાવીકભાઇ વૈશ્ણવ સાથે મળી કારખાનાઓ શરતોને આધીન તકેદારીના પગલા રાખતા ચાલુ કરાવેલ.

હજુ સી.ઇ.ટી.પી.ની મંજુરી ન મળેલ હોય સાડીઓ ધોવાની મનાઇ ફરમાવેલ હતી છતાં ભાટગામ ખાતે ઉબેણ નદીના વોંકળામાં કોઇએ પ્રદુષીત પાણી ઠાલવી દેતા પ્રમુખ ઉપપ્રમુખે ત્રાસી જઇ રાજીનામું આપી દીધેલ આ ચર્ચા એશો.ના અન્ય હોદેદારોમાં છેલ્લા બે દિવસથી થતી હોય પ્રદુષણના પ્રશ્નો સાથેની જવાબદારી કોઇ લેવા ન માગતું હોય તેમજ પ્રમુખ તરીકે કોઇ હોદે સંભાળવા રાજી ન હોય પ્રમુખ-ઉપ પ્રમુખના રાજીનામાના પગલે ગઇકાલે કમીટીના ર૧ સભ્યોએ સંયુકત રીતે રાજીનામા ધરી દેતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

કારખાનેદારો મુશ્કેલીમાં ફસાયા છે કે હવે તેમના પ્રશ્નોનું નીરાકરણ કોણ કરશે. વરસો જુની સંસ્થામાં તમામ હોદેદારોએ રાજીનામા આપી દીધા હોય તે આ પ્રથમ ઘટના છે. હાલ લોકડાઉનના કારણે ચુંટણી શકય ન હોય પીઢ અગ્રણી ઉદ્યોગપતિઓ કાર્યકરો તરીકે કામગીરી કરશે. ભવિષ્યમાં આ સંસ્થાને ઉજળી રાખે તેવા પ્રમુખ સતા સંભાળે એવું કારખાનેદારોમાં ચર્ચાય રહ્યું છે.

(12:01 pm IST)